ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ હવેથી માત્ર ત્રણ દિવસમાં કોઇ પણ વપરાશકાર પોતાનો મોબાઇલ ટેલિફોન નંબર એકમાંથી બીજા સર્વિસ પ્રોવાઇડરમાં પોર્ટ કરી શકે છે. વપરાશકાર પોતાનો નંબર બદલ્યા વિના કંપની બદલી શકે છે. આ નિયમ તો પહેલેથી હતો. અગાઉ નંબર પોર્ટ કરવામાં સાતથી આઠ દિવસ લાગતા હતા. હવે કરાયેલી જોગવાઇ મુજબ ત્રણ કે વધુમાં વધુ પાંચ દિવસમાં ગ્રાહકનો નંબર પોર્ટ કરી આપવાનો રહેશે. આ જોગવાઇનો ભંગ કરનારી કંપનીને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એમ ટ્રાઇના પ્રવક્તાએ કહ્યુ હતું. કોઇ પણ સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકની વિનંતીને ખોટા બહાના હેઠળ નકારી શકશે નહીં. નવા સુધારાયેલા નિયમમાં સૌથી મોટો ફેર યુનિક પોર્ટિંગ કોડ બાબતમાં કરાયો છે. ગ્રાહકની અરજી મળે કે તરત સર્વિસ પ્રોવાઇડરે એને સંબંધિત એમએનપીએસપીને ફોરવર્ડ કરવાનો રહેશે. એમએનવીએસપી ડોનર ઓપરેટરના ડેટાબેઝ સાથે તપાસ કરીને યુપીસી તૈયાર કરશે અને ત્યારપછી એ ગ્રાહકને મોકલી આપવામાં આવશે.