ડેમોક્રેટિક પક્ષની બહુમતી ધરાવતી અમેરિકી સેનેટની સમિતિએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી ઇમ્પીચમેન્ટ અંગેની તપાસ નો પ્રાથમિક રિપોર્ટ આજે બુધવારે સવારે પ્રગટ કર્યો હતો. આ રિપોર્ટમાં ટ્રમ્પને અંગત અને રાજનૈતિક હિતો માટે દેશહિતને ગીરવે મૂકનારા જવાબદાર (આરોપી) ઠરાવ્યા હતા. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પ્રમુખની આગામી ચૂંટણીમાં વિદેશી મદદ માગી હોવાના આરોપમાં ટ્રમ્પ જવાબદાર (ગીલ્ટી ) પુરવાર થયા હતા એમ આ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ રિપોર્ટને એકપક્ષી અને નાપાયાદાર ગણાવ્યો હતો. 300 પાનાંના આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો તો કે ટ્રમ્પે યુક્રેનને અમેરિકી ઉપ-રાષ્ટ્રપ્રમુખ જો બીડેન અને એના પુત્રની કંપનીઓની તપાસ કરવાનું કહ્યું હતું. પોતે બીજીવાર રાષ્ટ્રપ્રમુખ બની શકે એ માટે ટ્રમ્પે આ પગલું ભર્યું હતું. એ માટે યુક્રેનને અમેરિકી લશ્કરી મદદ આપવાનો વાયદો ટ્રમ્પે કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીતને આ તપાસમાં પુરાવા રૂપે ગણવામાં આવી હતી. 2020માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થવાની છે. ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપ્રમુખ બનવા ઉત્સુક છે.