અમદાવાદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(NFSU)ના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે તા.21મી માર્ચ, 2022ના રોજ ‘પદ્મશ્રી’ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. જે. એમ. વ્યાસને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે તેઓની વિશિષ્ટ સેવા બદલ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક એવા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ ખાતે યોજાયેલા પદ્મ-પુરસ્કાર-2022 સન્માન-અલંકરણ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ; નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, અમિત શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો સમાવેશ થયો હતો. ‘પદ્મશ્રી’ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ફોરેન્સિક સાયન્સ સમુદાય માટે આ ગૌરવની ક્ષણ છે. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU એ જણાવ્યું હતું કે NFSU પરિવાર અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(NFSU)ના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડૉ, જે, એમ. વ્યાસના દૂરંદેશી નેતૃત્વને કારણે જ ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ અત્યંત ટૂંકાગાળામાં વિકાસ, પ્રગતિ હાંસલ કરીને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ‘ઈન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સના ગૌરવપૂર્ણ દરજ્જો મેળવ્યો છે. ડૉ. જે. એમ. વ્યાસના નેતૃત્વમાં NFSU ખાતે ટૂંકાગાળામાં સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ પણ થયું છે અને NFSUએ દિલ્હી, ગોવા અને ત્રિપુરા ખાતે પણ ઓફ-કેમ્પસ શરૂ કર્યા છે. ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં તથા વિદેશમાં પણ ઓફ-કેમ્પસ શરૂ કરાશે.