અમદાવાદ
આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ 2 એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને AAPના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી બાપુનગર ખોડિયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે. AAPનું શક્તિપ્રદર્શન યોજાવાનું છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પણ આમ આદમી પાર્ટીના આ રોડ શો પર નજર રહેશે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. AAP દ્વારા બન્ને નેતાના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટીની પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં AAP ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.