પંજાબ નેશનલ બેંક સાથે અબજો રૂપિયાની ગોલમાલ કરીને વિદેશ નાસી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીએ કરેલા કૌભાંડની વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વિદેશી ઓડિટરોએ શોધી કાઢ્યું હતું કે પંજાબ નેશનલ બેંક પાસેથી નીરવે ગુનાહિત ગોલમાલ દ્વારા 25,000 કરોડના લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યા હતા.
બેકે સીબીઆઇને આ કૌભાંડની જાણ કર્યા બાદ બેલ્જિયમની એક પ્રતિષ્ઠિત ઓડિટિંગ કંપનીને આ કૌભાંડના ફોરેન્સિક ઓડિટિંગની જવાબદારી સોંપી હતી. 2018માં ઓડિટરોએ શોધી કાઢ્યું હતું કે બેંકે નીરવ મોદીની કંપનીને કુલ 28,000 કરોડના 1561 લેટર ઑફ અન્ડરટેકિંગ ઇશ્યૂ કર્યા હતા જેમાંના 25,000 કરોડના એલઓયુ નીરવે બનાવટી દસ્તાવેજો દ્વારા મેળવ્યા હતા.
તપાસમાં ઓડિટરોએ એ પણ શોધી કાઢ્યું કે જે 23 નિકાસકારોના નામે આ એલઓયુ ઇશ્યૂ કરાયા હતા તેમાંના 21 નિકાસકારો પર નીરવનો ધંધાકીય કાબુ હતો એટલે કે બોગસ રીતે એલઓયુ મેળવવામાં આવ્યા હતા.
એનો અર્થ એ પણ હતો કે બેંકના વહીવટ પર નીરવનો જબરદસ્ત કાબુ હતો અને બેંકના અધિકારીઓ નીરવના ઇશારે કામ કરતા હતા.