ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પછાડીને નંબર વનનો તાજ ફરી મેળવી લીધો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આઈઈસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કહોલી 928 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 923 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. બાંગ્લાદેશ સામે કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં પિન્ક બોલ સાથે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં કોહલીએ 136 રન ફટકાર્યા હતા જેને પગલે તેના રેન્કિંગમાં સુધારો થયો હતો. જ્યારે પાકિસ્તાન સામે એડિલેડ ટેસ્ટમાં સ્મિથે 36 જ રન કરતા તે રેન્કિંગમાં સરકીને 923 પોઈન્ટ સાથે બીજા ક્રમે ધકેલાયો હતો. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આઈસીસી રેન્કિંગમાં પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે અજિંક્ય રહાણે એક ક્રમ નીચે સરકતા છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. બીજીતરફ બોલર્સના રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ પાંચમા ક્રમે રહેતા ભારતીય બોલર્સમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ભારતના ઓફ સ્પિનર આર અશ્વિન આ યાદીમાં નવામાં ક્રમે રહ્યો છે. પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરની વિસ્ફોટ 335 રનની અણનમ ઈનિંગને પગલે તે 12 ક્રમની છલાંગ મારીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. ચાલુ વર્ષે યાદીમાં 110મો ક્રમ ધરાવતા માર્નુસ લાબુસચેગ્નેએ પ્રથમ વખત ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું. આઈસીસીના જણાવ્યા મુજબ બોલર્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક ચાર ક્રમ આગળ આવીને 14માં ક્રમે રહ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં સ્ટાર્કે સાત વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના મિડલ ઓર્ડર બેટ્સમેન બાબર આઝમ બે ક્રમ આગળ આવીને 13માં સ્થાને રહ્યો હતો. આ યાદીમાં પાકિસ્તાનનો ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શાન મસૂદ 10 ક્રમની છલાંગ સાથે 47માં સ્થાને પહોંચ્યો હતો જે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ન્યૂઝીલેન્ડ સામે 226 રનની ઈનિંગ રમતા તે 11માં ક્રમેથી આગળ આવીને સાતમા ક્રમે પહોંચ્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલર બે ક્રમ આગળ વધીને 16માં સ્થાને રહ્યો હતો જ્યારે બોલર ટીમ સાઉધી એક ડગલું આગળ વધીને 13માં ક્રમે રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સુકાની જેસન હોલ્ડર પાંચ વિકેટ ઝડપીને 830 પોઈન્ટ સાથે કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ સ્થાને એટલે કે યાદીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. આ ઉપરાંત તે ઓલ રાઉન્ડરની યાદીમાં મોખરે રહ્યો હતો.