ગુજરાતમાં સરકારી ભરતીઓ મામલે ભાજપ સરકારની છાપ ખરડાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કારકુનની પરીક્ષાના પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા વિદ્યાર્થીઓએ સરકારને રજુ કર્યા છતાં સરકારે કોઈ પગલાં નહીં ભરતા આજે હજારો ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડયા હતા. જેના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને ગૌણ સેવા પસંદગી મંડળ સહિત સરકારી કચેરીઓ આસપાસ સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ૮૦૦થી વધુ યુવાનોને ડીટેઈન કરી અલગ અલગ સ્થળે મોકલી દેવાયા હતા. તો જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું તેવું એલાન પણ કર્યું હતું. રાજયમાં સરકાર દ્વારા ભરતીની જાહેરાત પાડવામાં આવે ત્યારથી જ આ ભરતી ઉપર શંકાની સોય સેવાતી હોય છે અત્યાર સુધી ભરતીઓમાં સર્જાયેલા ગોટાળા અને પેપર ફુટવાની ઘટનાઓના કારણે યુવાનોને હવે સરકારની ભરતી પ્રક્રિયા ઉપર ભરોસો રહયો જ નથી. તાજેતરમાં જ બિન સચિવાલય કારકુનની પરીક્ષા મામલે સરકારે ધો.૧ર પાસ ઉમેદવારો નહીં ચાલે તેવો ભાંગરો વાટયા બાદ આખરે યુવાનોના આંદોલનથી બચવા આ પરીક્ષામાં ધો.૧ર પાસ ઉમેદવારોને પણ માન્ય કર્યા હતા.
ત્યારે ગત તા.૧૭ નવેમ્બરે લેવામાં આવેલી આ બિન સચિવાલય કારકુનની પરીક્ષામાં રાજયના ઘણા સેન્ટરો ઉપર ગેરરીતિ થઈ હોવાનું સીસીટીવીમાં જ કેદ થયું હતું અને ઉમેદવારોએ તેના પુરાવા પસંદગી બોર્ડ અને સરકાર સુધી પહોંચતા કર્યા છે પરંતુ સરકાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થઈ હોવાનું રટણ કરે છે આવી સ્થિતિમાં ગુજરાતના આ શિક્ષિત બેરોજગાર યુવાનોએ સરકાર સામે મોરચો માંડવાની શરૂઆત કરી દીધી છે અને આજે ગાંધીનગરમાં સરકારના વિરોધમાં રેલી કરી પરીક્ષા રદ કરવાની માંગણી કરવાના હતા પરંતુ રાત્રે જ તેમની રેલીની મંજુરી રદ કરી દેવામાં આવી હતી અને ગાંધીનગરના પ્રવેશદ્વારો સીલ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં અલગ અલગ માર્ગો ઉપરથી હજારો ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની ફરતે તમામ માર્ગો બ્લોક કરી દેવાયા હતા અને સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે ધીમેધીમે હજારો ઉમેદવારો એકઠા થઈ ગયા હતા. જેથી પોલીસ પણ દોડી હતી અને આ ઉમેદવારોને ત્યાંથી ખસેડવા માટે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ૮૦૦થી વધુ ઉમેદવારોને પોલીસ વાનમાં બેસાડી અલગ અલગ સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા તેમ છતાં શહેરના સેન્ટ્રલ વિસ્ટ્રા પાસે બે હજાર જેટલા ઉમેદવારો એકઠા થઈ ગયા હતા અને રસ્તો બ્લોક કરી બેસી ગયા હતા. જ્યા સુધી પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતા કે પરીક્ષા રદ નહીં.. તો સરકાર રદ…, બસ હવે તો હદ કરો બિન સચિવાલય રદ કરો…, બહુ જોયુ હવે જાગ્યા છીએ.. અને પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરાના રાજીનામાંની પણ માંગણી કરી હતી. ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટામાં બેસી ગયા હોવાથી ત્યાં પણ ફરતે પોલીસ કિલ્લેબંધી ગોઠવી દેવામાં આવી હતી. મોડી સાંજ સુધી ઉમેદવારો અહીંથી નહીં હટતા સરકાર અને પોલીસની ચિંતા વધી ગઈ હતી. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવા અંગે હાલ રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આ પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધીનગરમાં યોજાયેલી વિદ્યાર્થીઓને રેલી પર પોલીસે બળજબરી કરી હતી અને વિદ્યાર્થીઓને શોધી-શોધીને તેમની અટકાયત કરવામાં આવી હતી. સરકારના આ પગલાંનના વિરોધમાં ટ્વિટર-ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનો રોષ ભભૂકી ઉઠયો હતો. જેમાં #SaveGujaratStudents હેશટેગ દિવસભર ટ્વિટરમાં સમગ્ર દેશમાં ટોપ ટ્રેન્ડિંગ રહ્યું હતું. ગાંધીનગરમાં આજે યોજાયેલી રેલીમાં વિદ્યાર્થીઓ પર સંખ્યાબંધ પોલીસકર્મીઓનો ટોળા છોડાતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં અનેક ગેરરીતિઓ થઇ હોવાથી #SaveGujaratStudents હેશટેગ ઘણાં દિવસોથી ચાલતો હતો પરંતુ આજે દેશભરના ટ્વિટરમાં આ હેશટેક ટોપ ટ્રેન્ડમાં હતો. જેમાં વિદ્યાર્થીઓએ સરકાર પર કટાક્ષ કર્યો હતો કે વડોદરામાં દુષ્કર્મ કરનારા આરોપીઓને પોલીસ પકડી શકતી નથી પરંતુ બેરોજગાર વિદ્યાર્થીઓ પર દમન કરવા માટે પોલીસ તૈયાર હોય છે. કેટલાંક વિદ્યાર્થીઓએ એવી રમૂજ પણ કરી હતી કે ઇસરોને અવકાશમાં ખોવાયેલા વિક્રમ લેન્ડરનું લોકેશન મળી શકે છે પરંતુ બિનસચિવાલય પરીક્ષા કૌભાંડના અનેક પુરાવાઓ રજૂ કરવા છતાં સરકાર મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકી નથી.