મહારાષ્ટ્રમાં સરકાર રચાયા બાદ છેલ્લા થોડા દિવસથી પ્રધાન મંડળની રચના અંગે ત્રણે પક્ષો વચ્ચે ચર્ચા ચાલુ હતી. હવે પ્રધાનમંડળની રચના તૈયાર હોવાનો દાવો કરાયો હતો. હાલ મળતી માહિતી મુજબ શરદ પવારના એનસીપીના 16, શિવસેનાના 14 અને કોંગ્રેસના 13 પ્રધાનો હશે. સાથોસાથ કોંગ્રેસના સ્પીકર હશે અને એનસીપીને નાયબ મુખ્ય પ્રધાનપદ પણ મળશે. જો કે આ આખરી સમજૂતી નથી. અત્રે એ નોઁધવું જોઇએ કે ઉદ્ધવ ઠાકરેએ 28 મી નવેંબરે મુખ્ય પ્રધાન તરીકે સોગન લીધા ત્યારથી પ્રધાન મંડળની રચના અંગે એક પ્રકારનું રહસ્ય સર્જાયું હતું. ઉદ્ધવની સાથે ત્રણે પક્ષોના બબ્બે સભ્યોએ પણ પ્રધાનપદના સોગન લીધા હતા. પરંતુ આજ સુધી પ્રધાન મંડળની રચના થઇ શકી નહોતી. એક સૂત્રના કહેવા મુજબ ભાજપ સાથે સરકાર રચતી વખતે નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગન લેનારા એનસીપીના અજિત પવારને ઉદ્ધવની સરકારમાં પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.