યુપીના ઉન્નાવમાં ફરી માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. અહીં ગેંગરેપ પછી પીડિતાને પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 5 આરોપીઓએ ગામની બહાર ખેતરમાં પીડિતાને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ કેસમાં 5માંથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપીની શોધ ચાલુ છે. યુવતી 90 ટકા સળગી ગઈ છે અને તેની સ્થિતિ ખૂબ ગંભીર જણાવવામાં આવી છે. પીડિતાની સ્થિતિ ગંભીર હોવાથી તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. રેપ પીડિતા સાથે આ વર્ષે માર્ચ મહિનામાં દૂષ્કર્મ કરવામાં આવ્યું હતું. યુવતીને સળગાવવામાં દુષ્કર્મના બે આરોપીઓ પણ સામેલ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવતીને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાંથી પીડિતાને લખનઉ ટ્રોમા સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
આરોપીઓ યુવતીને સળગાવ્યા પછી ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. પીડિત યુવતી સાથે થોડા સમય પહેલાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના જે આરોપી છે તેમના વિશે કહેવામાં આવે છે કે, તેમણે જ યુવતીને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટના વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, ગઈ કાલે દેશના ગૃહ મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, યુપીમાં કાયદા વ્યવસ્થા સારી થઈ ગઈ છે. રોજ આવી ઘટનાઓ જોઈને મનમાં ગુસ્સો આવે છે. ભાજપ નેતાઓએ હવે ફેક પ્રચારમાંથી બહાર આવવું જોઈએ.