સરકાર દ્વારા મેન્ટેનેન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન એક્ટ 2007 અંતર્ગત વૃદ્ધોની દેખરેખ રાખનારાઓની વ્યાખ્યાને વધું વિસ્તૃત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ તરફથી ફક્ત પોતાના દીકરા, દીકરી જ નહીં પરંતુ જમાઈ અને વહુને પણ માતા-પિતા અને સાસુ-સસરાની દેખરેખ રાખવાની જવાબદારી ઉપાડવી પડશે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અધિનિયમના સુધારણાને બુધવારે કેબિનેટ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. આ નિયમ અંતર્ગત માતા-પિતા અને સાસું-સસરાનો પણ સમાવેશ થાય છે, પછી ભલેને તેઓ સીનિયર સિટિઝન હોય કે ન હોય. આશા છે કે આવતા અઠવાડિયે આ બિલને ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ કાયદા હેઠળ ઓછામાં ઓછા 10,000 હજાર રૂપિયા મેન્ટેનેન્સની મર્યાદાનો પણ અંત લાવવામાં આવશે.
જો દીકરા-વહુ અને દીકરી-જમાઈ માતા-પિતા અને સાસુ-સસરાની સારી રીતે દેખરેખ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે, જે અત્યારે ત્રણ મહિનાની છે. માતા-પિતા અને સાસુ-સસરાની દેખરેખની પરિભાષામાં પણ ફેરફાર કરીને તેમાં ઘર અને સુરક્ષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેખરેખ માટે નક્કી કરવામાં આવેલી રકમનો આધાર વૃદ્ધો, માતા-પિતા, સાસુ-સસરા, બાળકો અને સંબંધીઓની રહેણી-કરણીના આધાર પર નક્કી કરવામાં આવશે. ફેરફાર કરેલા નિયમોમાં દેખરેખ રાખનારા લોકોમાં દત્તક લીધેલા બાળકો, અનોરસ દીકરા અને દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે આ નિયમથી ઘરના વડિલો અને વૃદ્ધોના શારીરિક અને માનસિક શોષણ અને ત્રાસમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત આ નવા પ્રસ્તાવથી તેમની દેખરેખ કરનારાઓ પણ વૃદ્ધો પ્રત્યે વધારે લાગણીશીલ અને જવાબદાર બનશે.