સમગ્ર GJ-18 ન્યુ માં સૌ પ્રથમ વખત ચૈત્રી નવરાત્રી પ્રસંગે રાયસણ ખાતે આવેલ સુવિખ્યાત પંચેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા સામુહિક રીતે તુલસીકૃત શ્રી રામચરિત માનસના સમૂહ ગાન ધ્વારા નવ્હાન પારાયણનો શુભારંભ થયો હતો. પંચેશ્વર મંદિર , રાયસણ ખાતે ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતાના દિવસે ઘટસ્થાપન અને અખંડ દીપ પ્રગટાવી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થયો. મોટી સંખ્યામાં ભાઇ બહેન ભક્તો નવરાત્રીના નવે નવ દિવસ દરમિયાન દરરોજ બપોરના ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી તુલસીકૃત રામચરિત માનસની ચોપાઈઓનું સમૂહમાં ગાન કરી રહ્યા છે અને અંતમાં રામાયણજીની આરતી કરવામાં આવે છે મંદિરના પૂજારીજી શ્રી અશોકભાઇની નિશ્રામાં યોજાએલ આ નવ્હાન પારાયણનું સમાપન ૧૦ એપ્રિલે રામનવમીના દિવસે થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાયસણ , રાંદેસણ,કુડાસણ અને કોબા સહિતના નવ વિકસિત વિસ્તારમાં પ્રચલિત એવા રાયસણના પંચેશ્વર મંદિરે આખાયે પંથકમાં અને ન્યુ GJ-18 માં આકર્ષણ ઊભું કર્યું છે. મંદિરમાં આધ્યાત્મિક ગ્રંથો અને સાહિત્યથી સમૃદ્ધ વાંચનાલય પણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં સિનિયર સિટિજન તેનો મહત્તમ લાભ લઇ જીવન સંધ્યાને ઉજાગર કરી રહ્યા છે. મંદિરની વ્યવસ્થા કમિટિ અને દાતાઓના ઉદાર સહયોગથી મહિનામાં એક વખત સિનિયર સિટિજન માટે આધ્યાત્મિક યાત્રા પ્રવાસ જેવા રચનાત્મક કાર્યો કરવામાં આવે છે. રામ નવમીના દિવસે પંચેશ્વર મંદિરમાં બપોરે ૧૨ વાગે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવવામાં આવશે અને ભગવાનને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવનાર છે.