ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદ
સરકારની વાહવાહી અને ચાટુકારીતા માટે ખેસ પહેર્યા વગરના કાર્યકર્તા જેમ વર્તતા અધિકારીઓ – કર્મચારીઓ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પક્ષીય કાર્યક્રમમાં હાજરીની ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસના વડાના ઓફીસીયલ ટ્વિટર હેન્ડલ ‘એસ.પી. સુરત રૂરલ’ પરથી રીટ્વિટ કરવામાં આવ્યું. રાજકીય પક્ષના આશ્રય અને ખેસવગરના કાર્યકર્તાની જેમ વહિવટી પાંખના અધિકારી અને કર્મચારીઓની વધુ એક ઘટના સામે આવી છે. અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના પણ આ પ્રકારની કામગીરી સામે આવી હતી. એક બાજુ ગુજરાત કોંગ્રેસના ઓફિસની અંદર પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશી સર્ચ કરે, મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે અને ભાજપના એજન્ટ બનીને વર્તે, બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓની રીટ્વિટ કરી ચાટુકારીતા કરી રહ્યાં છે. લોકશાહીમાં વિપક્ષના અવાજને જનતાનો અવાજ ગણવામાં આવે છે ત્યારે ધરણાં હોય, આંદોલન હોય કે અન્ય કોઈ પ્રદર્શન હોય તેમાં રાજકીય હાથો બની, નીતનવા નિયમો – ધારાઓ દર્શાવી વિપક્ષને પ્રદર્શન કરતા રોકવામાં આવે છે. જ્યારે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓની વ્યક્તિગત રાજકીય કાર્યક્રમો – મેળાવડાઓ વગેરેને સરકારી તંત્રનો, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રાજકીય પક્ષની વાહવાહી કરી રહ્યાં છે. એક તરફ પેજ પ્રમુખની મોટી સંખ્યા, દેશની સૌથી મોટી પાર્ટીના દાવા કરતી ભાજપ વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે અને સરકારી તંત્રમાં અનેક અધિકારીઓ – કર્મચારીઓ પદ – બઢતી માટે ખેસ વગરના કાર્યકર્તાની જેમ વર્તી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, સરકારી માધ્યમનો ઉપયોગ કરી રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર કરતા અધિકારીઓ પર તાત્કાલીક દંડાત્મક-શિક્ષાત્મક પગલા ભરવામાં આવે.