સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટાફના માણસોએ માંડવી તોપ નાકા નજીકથી એક એમ્બ્યુલન્સના ચાલકને નશો કરેલી હાલતમાં ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. એમ્બ્યુલન્સનો ચાલક સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી યુવાનનો મૃતદેહ લઈ ઉમરા ગવણ ગામે જઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટાફના એ.એસ.આઈ કાળુભાઈ જોખનભાઈ તથા પો.કો કમલેશભાઇ વિનાયકભાઈ નાઓ માંડવી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વનીયાભાઈ નવસીયાભાઈ વસાવે (રહે, ઉમરા ગવણ, જી-નંદરબાર) નાઓએ માંડવી પોલીસને ફોન કરી જણાવ્યુ હતું કે તેમના દીકરાનું મોત નિપજતા તેનો મૃતદેહ વતનમાં લઈ જવા માટે તેમણે સુરત નવીસિવિલ હોસ્પિટલ ખાતેથી એમ્બ્યુલન્સ ભાડે કરી હતી. અને તેમના દીકરાનો મૃતદેહ ઉમરા ગવણ ગામે લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન એમ્બ્યુલન્સનો ચાલકે એમ્બ્યુલન્સ કડોદરા નજીક ઊભી રાખી દારૂનો નશો કરી આવ્યો હતો. અને વનીયાભાઈ સાથે ફાવેતેમ લવારા બકવાસ કરી રહ્યો હતો. અને માંડવી સરકારી દવાખાના નજીક એમ્બ્યુલન્સ ઊભી રાખી ચાલકે જણાવ્યુ હતું કે મૃતદેહ બીજી ગાડીમાં લઈ જાવ તેમ જણાવ્યુ હતું. જેથી માંડવી પોલીસ સ્ટાફના માણસો માંડવી તોપનાકા ત્રણ રસ્તા નજીક આવતા ત્યાં ઊભેલ એમ્બ્યુલન્સ નંબર જીજે-05-બીએક્સ-4924ના ચાલકને ઝડપી પાડ્યો હતો. અને તે લવારા બકવાસ કરતો હોય પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રમોદભાઈ પ્રકાશભાઈ પાટીલ (35) (રહે, નવાગામ, ડિંડોલી, શિવાજીપાર્ક, સુરત) હોવાનું જણાવ્યુ હતું પોલીસે એમ્બ્યુલન્સ ચાલકને મેડિકલ તપાસ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.