બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ.50) નામના ખેડૂત ગત રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા. વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી 200 ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો. બાદમાં પેટનો ભાગ અને એક પગ કરડી ખાતા તેનું મોત નીપજ્યું હતું. મોટા મુંજીયાસર ગામની આ બીજી ઘટના છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી છે. દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરી છે. તેમજ ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.