ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા
રાજયભરમાં સરકારી મેડિકલ કોલેજમાં 400 પદ ખાલી, રિટાયર્ડ તબીબી શિક્ષકોને પેન્શન આપવામાં આવતુ નથી : મોઢવાડિયા
અમદાવાદ
ગુજરાતની સરકારી હોસ્પિટલના લગભગ 10 હજાર તબીબો પડતર માંગોને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ડોક્ટરોની હડતાળના કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ બંધ છે. જેના કારણે નિર્દોષ દર્દીઓ અને તેમના પરિવારજનો પરેશાન થઈ ગયા છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના હતો ત્યારે ભાજપ સરકારે સ્વાસ્થ્ય કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેમની સામેની અન્યાયી જોગવાઈઓ અને પગારમાં રહેલ વિસંગતતાને દુર કરવામાં આવશે. પરંતુ કોરોના કાળ પુરો થતા જ ભાજપ સરકારે “ગરજ સરી તો વૈદ વેરી” કહેવત મુજબ ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓની માંગો ઉપર ધ્યાન આપવાની જગ્યાએ અવગણવાનું શરૂ કર્યું. સરકાર કાયમી ડૉક્ટરોની ભરતી કરવાની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ ભરતી કરી રાજ્યની આરોગ્ય સેવાઓ સાથે રમત રમી રહી છે. એટલુ નહી છેલ્લા 12-12 વર્ષથી તબીબોની બઢતી પણ આપવામાં આવી નથી. રાજયભરમાં સરકારી મેડિકલ કોલેજમાં 400 પદ ખાલી પડ્યા છે, પરંતુ તેને ભરવામાં આવતા નથી. રિટાયર્ડ તબીબી શિક્ષકોને પેન્શન આપવામાં આવતુ નથી. ત્યારે આ સહિત 18 જેટલી પડતર માંગણીઓ ન સંતોષાતા ડોક્ટરો દ્વારા રાજ્ય સરકારને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ત્રણ થી ચાર વાર સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છતાં પડતર માંગણીઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નહીં. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયા છે.
ડૉક્ટર અને આરોગ્ય કર્મીઓની માંગો ઉપર ધ્યાન આપે અને તેમની સમસ્યાઓ દુર કરી હડતાળનું સુખદ સમાધાન આવે તેવા પ્રયત્નો કરે.