અમદાવાદ
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓટોરિક્ષા/ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમ તથા સગીરને પકડી કિંમત રૂપિયા ૧૬,૭૦,૦૦૦/-ની મત્તાનાં ચોરીનાં કુલ-૨૬ વાહનો કબજે કરી વાહન ચોરીના કુલ-૨૬ ગુન્હાઓમાં આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ડી.પી. ચુડાસમાએ કેસની વિગતવાર માહિતી આપી
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકના અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા વાહનચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવા સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ અને સ્કર્વાડના પો.સ.ઇ. વાય.જી. ગુર્જર, પો.સ.ઈ. પી.બી.ચૌધરી, પો.સ.ઈ. એમ.એમ.ગઢવી તથા પો.સ.ઈ. એન.વી.દેસાઈ અને સ્કર્વાડના માણસોએ તા.૦૫/૦૪/૨૦૨૨ ના રોજ સ્ટાફના હે.કો.ભરતભાઇ શીવરામભાઇ, હે.કો.કૌશીક ગોવિંદભાઇ તથા પો.કો.રમેશકુમાર હિરદેરામને મળેલ ચોક્કસ બાતમીના આધારે નરોડા પાટીયા પાસેથી એક આરોપી યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગ તથા કિશોરને એક નંબર વગરની સી.એન.જી.ઓટોરિક્ષા કિ.રૂ.૧૫૦૦૦૦/- ની મત્તાની સાથે પકડી પાડયો હતો. જે ઓટોરિક્ષા તેઓએ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ આરોપીને તા.૦૫/૦૪/૨૦૨૨ ના કલાક ૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલ કિશોરની પુછપરછ દરમ્યાન તેઓએ પોતાના અન્ય સાગરિતો સાથે મળી છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ-૨૫ જેટલી ઓટોરિક્ષાઓ તેમજ ટુ વ્હિલરો ચોરી કરેલ હોવાની તેમજ આ વાહનો તેઓએ હળવદ તેમજ તેની આજુબાના વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ વેચાણ આપેલ હોવાની કબુલાત કરેલ, જેથી તપાસ દરમ્યાન તેઓએ ચોરી કરેલ ઓટોરિક્ષાઓ-૨૧ તથા ટુ વ્હિલર્સ-પ મળી કુલ-૨૬ વાહનો મળી કુલ રુપિયા ૧૬,૭૦,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ રીકવર કરેલ છે.
………………………
આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલ આરોપી ખાસ કોઈ કામધંધો કરતો ન હોય મોજશોખ કરવાના ઈરાદે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાના સાગરિતો સાથે ફરતો રહેતો હતો. તેઓ કોઈપણ જગ્યાએ પાર્ક કરેલ ઓટોરિક્ષા તેમજ ટુ વ્હિલરને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરીઓ કરતા હતાં. ચોરી કર્યા બાદ તેઓ આ ચોરી કરેલ વાહનો અમદાવાદ બહાર ખાસ કરીને હળવદ તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા. આ રીતે તેઓએ છેલ્લા ત્રણ ચાર માસના સમયગાળામાં ઘણી બધી વાહનચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.
આ આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી આ સિવાય બીજા પણ વાહનો ચોરી કરેલ છે કે કેમ તેમજ તેઓની સાથે અન્ય કોઈ ઈસમો પણ સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સદરી આરોપીની સઘન પુછપરછ તપાસ ચાલુ હોય આવા પ્રકારના બીજા પણ વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.