ઉનાની સગીરાને તાણ આંચકી ઉપડતાં સરકારી હોસ્પિટલે લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને રાજકોટ રીફર કરી હતી. અને ત્યાં સગીરાને સાત માસનો ગર્ભ હોય તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગે ઉના સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે એવું કહ્યું હતું કે, મેં તેની આંચકીની સારવાર કરી એ વખતે તે સગર્ભા હોવાનું મને ખબર જ ન હતી. તો સગીરા જ્યાં ભણતી હતી એ શાળાનાં પ્રિન્સીપાલે તે પોતાની વિદ્યાર્થીની ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સગીરા પર તેના ઘર પાસે જ રહેતા યુવાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પીડિતાની માતાએ પોલીસમાં નોંધાવી છે. સગીરાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.
રાજકોટની હોસ્પિટલમાં ઉનાની સગીરાએ બાળકીને જન્મ આપ્યા બાદ તેના પર દુષ્કર્મ થયાની વાત સ્પષ્ટ બની છે. દરમિયાન ઉના પોલીસ તેનું નિવેદન લેવા રાજકોટ પહોંચી હતી. અને સગીરાની માતા તેમજ પીડિતાનાં નિવેદન લીધા હતાં. બાદમાં પોલીસે ઊનાનાં ભીમપરા વિસ્તારમાં રહેતા દિવ્યેશ મોહનભાઇ બાંભણીયા સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયા મુજબ દિવ્યેશે સગીરાને એ જ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં લઇ જઇ ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઇને તેને ગર્ભ રહી ગયો હતો. તો બીજી તરફ તેની શાળાનાં પ્રિન્સીપાલે એ પોતાની શાળામાં ભણતી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતાં. વાસ્તવમાં પીડિતા ધોરણ 9 નહીં પરંતુ ધોરણ 10માં એ જ શાળામાં ભણે છે.