સંસદ ભવનની કેન્ટિનમાં જમવાની થાળી ઉપર મળતી સબસિડીહવે બંધ થઈ જશે. તમામ પક્ષોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને આગામી સત્રથી લાગુ કરવામાં આવી શકે છે. સાંસદોને કેન્ટિનમાં પીરસાતી થાળી ઉપરની સબસિડી માટે વાર્ષિક 17 કરોડ રૂપિયાનું બિલ થતું હતું. સૂત્રોના મતે લોકસભા સ્પીકર ઓમ બિરલાના સુચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ આ બાબતે સહમતિ વ્યક્ત કરી હતી. 2016માં મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન કેન્ટિનમાં મળતા ભોજનના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે સબસિડી નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2016થી અત્યાર સુધી વેજ થાળીના ભાવ પ્રતિ પ્લેટ રૂ. 30 હતા, જ્યારે તેના પૂર્વે ડિશનો ભાવ રૂ. 18 હતો. નોન-વેજ થાળી હાલમાં રૂ. 60માં મળે છે જે પહેલા રૂ. 33માં મળતી હતી. થ્રી કોર્સ મિલ પ્રતિ ડિશ રૂ. 90 છે જેનો ભાવ પહેલા રૂ.61 હતો. સબસિડી નાબૂદ થઈ જવાથી હવે આ ડિશના ભાવમાં પણ વધારો થશે. સંસદની કેન્ટિનમાં સબસિડી પાછળ સરકાર રૂ. 17 કરોડનો ખર્ચ કરે છે. આ નિર્ણયને ક્યારથી લાગુ કરાશે તે નક્કી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી સત્રથી આ નિયમ લાગુ થવાની સંભાવના છે.