ગીર સોમનાથ જિલ્લાના પી.યુ.સી. સેન્ટર એસો.એ આરટીઓને લેખીત રજુઆત કરી વાહનોના પીયુસીની ફીમાં વધારો કરવા માંગણી કરી છે. પંદર દિવસમાં ભાવ વધારો કરવામાં નહીં આવે તો જિલ્લામાં ચાલતા પી.યુ.સી. સેન્ટરો બંધ કરી દેવાની ચિમકીમાં ઉચ્ચારી છે. ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત અધિકૃત પી.યુ.સી સેન્ટરના સંચાલકોએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, વર્ષ 1996થી અત્યાર સુધી પીયુસીની ફીમાં કોઇ વધારો થયેલ નથી અને છેલ્લા ઘણા વર્ષો દરમયાન મોંઘવારી ઘણી ગણી વઘી છે. જેથી કામદારોના પગાર, સ્ટેશનરી ખર્ચ, મશીનરી ખર્ચ, લાઇટ બીલ જેવી તમામ પ્રકારની વસ્તુઓમાં ભારે ભાવ વધારો થયો છે. તેમ છતાં પી.યુ.સી.ની ફી માં કોઇ જાતનો વધારો થયેલ નથી. હાલ ડિજીટલ યુગ ચાલી રહ્યો હોય જેમાં ઓનલાઇન પી.યુ.સી. કાઢવામાં આવે છે. જેની પાછળ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ-વાઇફાઇ, કોમ્પ્યુટર ઓપરેટ કરવા અલગથી માણસ રાખવો પડતો છે જે કાર્યપઘ્ઘતિથી ખર્ચમાં ખાસો વઘારો થઇ રહયો છે. ત્યારે હાલના સમયમાં પી.યુ.સી. કઢાવવાની જે ફી લેવાઇ રહી છે તેમાં આ કામગીરી સંચાલકોને પોસાય તેમ નથી. જેના કારણે પી.યુ.સી. સેન્ટરોને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. જો આ બાબતે સરકાર કે તંત્ર ઘ્યાન નહીં આપે તો હજારો લોકો બેરોજગાર થશે. હાલ રાજય સરકાર ગુજરાતમાં નવા 900 જેટલા પી.યુ.સી. સેન્ટર ખોલવા કવાયત હાથ ધરી હોવા છતાં અત્યાર સુધીમાં આશરે 140 જેટલી નજીવી અરજીઓ જ આવી છે. સેન્ટરો ખોલવામાં ઓછો રસ હોવાનું એક કરાણ વર્તમાનના મોંઘવારીના સમયમાં પી.યુ.સી. સેન્ટર ચલાવવું કઠીન હોવાનું છે. જેથી અમારી રજુઆતને ધ્યાને લઇ પીયુસી કાઢવાનો ચાર્જ તાત્કાલીક વધારવામાં આવે તેવી માંગ છે. જો પંદર દિવસમાં માંગણી પુરી નહીં થાય તો ગીર સોમનાથમાં ચાલતા તમામ પી.યુ.સી. સેન્ટરો બંધ કરી દેવાની અંતમાં ચિમકી ઉચ્ચારી છે.