બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડની યોગ્ય તપાસ અને પરીક્ષા રદ્દ કરી ફરીથી લેવાની માંગ સાથે રાજ્યભર સેંકડો પરિક્ષાર્થીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. બે દિવસથી ચાલી રહેલા આંદોલનથી આખરે સરકારી તંત્ર પણ સચેત બનીને ઉમેદવારો સાથે બેઠક કરી તેમને સાંભળ્યા હતા. આખરે, ઉમેદવારોના આગેવાનો સાથે બેઠક કરીને સરકારે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. જેમાં, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સીટની રચના કરીને મામલો ઉકેલવાની દિશામાં પગલાં ભર્યા છે. પ્રદિપસિંહે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, સેંકડો યુવાનો ગઈકાલે ઠંડીમાં પણ આંદોલન પર બેઠા હતા. યુવાનોએ પોતાની માગણી અમારી સમક્ષ રજૂ કરી છે. ગઈકાલે અમે જાહેરાત કરી હતી કે 2 દિવસમાં નિર્ણય લેવામાં આવશે. અમે સાચા લોકોની સાથે અન્યાય ના થાય તે માટે સીટના અહેવાલ બાદ યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે.
બિન સચિવાલયની પરિક્ષાની સંપૂર્ણ પ્રક્રિયાની સમીક્ષા SIT કરશે. જેમાં રાજ્યના અગ્ર સચિવ કમલ દયાણી SITના અધ્યક્ષ રહેશે. મનોજ શશીધરન, મયંકસિહ ચાવડા, જ્વલંત ત્રિવેદી SITના સભ્યો રહેશે. SITની તપાસ પૂર્ણ ન થયા ત્યાં સુધી પરિણામ જાહેર કરાશે નહીં. 10 દિવસમાં SIT રાજ્ય સરકારને રિપોર્ટ આપશે તેવી બાંહેધરી પણ આપી છે.