હૈદરાબાદ ગેંગરેપના ચારે ચાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાની જાહેરાત કરાઇ હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે રિકન્સ્ટ્રક્શન ઑફ ક્રાઇમ (અપરાધના પુનર્ગઠન) માટે પોલીસ આ ચારેને ગુરૂવારે રાત્રે નેશનલ હાઇવે નંબર 44 પર લઇ ગઇ હતી. લાગ જોઇને ચારેએ ભાગી છૂટવાના પ્રયાસ કર્યા હતા. નાસી રહેલા આરોપીઓ પર પોલીસે ગોળીબાર કરીને તેમને ઠાર કર્યા હતા. હૈદરાબાદની વેટર્નરી ડૉક્ટર પર ગેંગરેપ અને એને મારી નાખવાના દુષ્કૃત્ય અંગે દેશભરમાં વિરોધ વંટોળ જાગ્યો હતો. હૈદરાબાદમાં પણ આરોપીઓને જે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા એ પોલીસ સ્ટેશનને લોકોએ ઘેરી લીધું હતું અને આરોપીઓને પોતાને હવાલે કરી દેવાની જોરદાર માગણી કરી હતી. આમ લોકોનો આક્રોશ જોઇ સમજીને પોલીસે એન્કાઉન્ટર કરીને ચારેને પતાવી દીધા હતા.