ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને, તે જેની સાથે ભાગી ગયો હતો તે મહિલાને ટ્રેસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો અડધો ભાગ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
મહિલાને શોધવા માટે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં પોલીસને સાત મહિનાથી વધુ સમય સુધી મહેનત કરવી પડી હતી. સમગ્ર કેસની વાત કરીએ તો ૩૦ની નજીક ઉંમર ધરાવતો રાઘા પરમાર નામનો યુવક, મે ૨૦૨૧માં રાજકોટમાંથી ૨૦ વર્ષીય યુવતી સાથે ભાગી ગયો હતો. મહિલાના પિતાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને યુવતી માટે શોધખોળ હાથ ધરાઈ હતી. સાત મહિના બાદ, પોલીસે યુવતીને શોધી કાઢી હતી અને માતા-પિતાને સોંપી હતી. રાઘા પરમારના લગ્ન પહેલાથી જ કોઈની સાથે થયા હોવાની હાઈકોર્ટને જાણ થઈ હતી.
યુવતીને શોધી કાઢવા અને પરત લાવવા માટે ખર્ચવામાં આવેલી રકમની વસૂલાત પરમાર પાસેથી કરવાનો હાઈકોર્ટે ર્નિણય લીધો હતો. વસૂલાત એ યુવતી સાથે ભાગી જવાની અને પરિણીત હોવા છતાં તેનું શોષણ કરવાની સજા પણ હતી. સાત મહિનાની તપાસમાં ૧૭,૭૧૦ કલાક તેમાં ગયા હોવાની રાજકોટ પોલીસે કોર્ટને માહિતી આપી હતી. ત્યારબાદ ૧૯ દિવસ સુધી પૂછપરછ ચાલી હતી. ખર્ચવામાં આવેલી રકમનો આંકડો ૪૨,૫૦૦ રૂપિયા હતો. આ સિવાય હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ખર્ચ લગભગ ૭૫ હજાર રૂપિયા હતો. આમ યુવતીને પરત લાવવા માટે ૧,૧૭,૫૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો.
યુવતીના પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમણે તેમની દીકરીને શોધવા માટે ૮.૦૬ લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને તેમાં કથિત રીતે તે ઘરેણાં પણ સામેલ હતા જે તે પોતાની સાથે લઈ ગઈ હતી. હાઈકોર્ટે યુવતીના પિતાને યોગ્ય કોર્ટમાં જઈને નુકસાનીનો દાવો કરવાની મંજૂરી આપી છે, તેમ તેમના વકીલ નીરવ સંઘવીએ જણાવ્યું હતું.
જજે કહ્યું હતું કે, તેઓ પોલીસ દ્વારા કરવામાં આવેલા ખર્ચથી ચિંતિત છે. ‘જાે કે, અમે સંપૂર્ણ રકમ આપવાનો આદેશ આપી શક્યા હોત તેમ છતાં અમે ૫૦ ટકા રકમ ચૂકવવી જાેઈએ તેવું માનીએ છીએ, જે રકમ ૫૫ હજાર રૂપિયા છે’, તેમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું.
પરમારને હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં રકમ ડિપોઝિટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાે તે, ચૂકવવામાં નિષ્ફળ જશે તો રજિસ્ટ્રી (જ્યુડિશિયલ) તે તરફ કોર્ટનું ધ્યાન દોરશે અને તેઓ પરમાર સામે કોર્ટની અવગણનાની કાર્યવાહી શરૂ કરી શકે છે. પરમાર રકમ જમા કરાવે તે બાદ તેને પોલીસ વેલ્ફેર ફંડ, રાજકોટ સિટીમાં જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.અગાઉ, કોર્ટે સરકારને પણ પૂછ્યું હતું કે, શું નિર્દોષ યુવતીને બચાવવા માટે નિવારક પગલા તરીકે તેના કેસ વિશે મોટા પ્રમાણમાં લોકોને જાણ કરી શકાય તેમ છે. જાે કે, અન્ય યુવતીઓ સાથે ભાગી જવાનો તેનો રેકોર્ડ નથી. પરમારના વકીલે તેણે રૂઢીગત રીતે ડિવોર્સ લીધા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોર્ટે આ દાવાની સત્યતા પર સવાલ કર્યો હતો.