અમદાવાદ
સોશીયલ મીડીયાના માધ્યમથી ભ્રમ, જુઠ્ઠાણું ફેલાવતી ભ્રષ્ટ ભાજપ શાસનની પોલ ખોલવા માટે આહ્વાહન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાનો ભ્રષ્ટાચાર, અણઘડ આયોજન સહિતની નિષ્ફળતાઓ છુપાવવા સોશીયલ મીડીયાનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડીયા દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચાડી ભાજપના જુઠ્ઠાણાની પોલ ખોલશે. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં સોશીયલ મીડીયાનો રોલ મહત્વનો રહે છે. અસત્ય સામે સત્યની લડાઈ કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના સનિષ્ઠ કાર્યકરોની સાયબર આર્મીને સાથે રાખી કરશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ સોશીયલ મીડીયાની રાજ્ય સ્તરીય મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના સક્રિય કાર્યકર્તાઓ પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જ્વલંત વિજય અપાવવાનો ભગીરથ કાર્ય કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ઈન્ચાર્જ અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષના ભાજપના કુશાસનથી જનતા ત્રસ્ત છે ત્યારે નાગરિકોને હિસાબ આપવાની જગ્યાએ ભાજપ ભાવનાત્મક મુદ્દાઓ આગળ કરી મુળભૂત સુવિધાઓના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. હિઝાબ, સ્મશાન – કબ્રસ્તાન, હિંદુ – મુસ્લિમ સહિતના મુદ્દાઓની આડમાં ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસની સાયબર આર્મીના કાર્યકરો ભાજપની પોલ ખોલી સાચી હકિકત લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ રોહન ગુપ્તા
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં જુદા જુદા પ્રજા લક્ષી કેમ્પેઈન દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, વારંવાર પેપર ફુટવા, મહિલા અત્યાચાર સહિતના મુદ્દાઓ લોકો સમક્ષ મુકવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ગુજરાત સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટની મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસના મીડીયા ઈન્ચાર્જ અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ રોહન ગુપ્તા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, સોશીયલ મીડીયા ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર આભાસ ભટનાગર, પ્રણવ વછરાજની, પંકજ ખરબંદા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુંમર, મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ, સોશીયલ ડીપાર્ટમેન્ટના સ્ટેટ કો-ઓર્ડીનેટર કેયુર શાહ, ઝુબેર પટેલ, ધ્રુવ પંડિત, ભાર્ગવ પઢીયાર સહિત મોટી સંખ્યામાં ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી સોશીયલ મીડીયાના હોદ્દેદારો – આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સોશીયલ ડીપાર્ટમેન્ટના સ્ટેટ કો-ઓર્ડીનેટર ઝુબેરભાઈ પટેલે કર્યું હતું.