ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 20 સીટ પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. જમશેદપુર પૂર્વી અને જમશેદપુર પશ્ચિમી વિધાનસભા વિસ્તારમાં શનિવારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જ્યારે અન્ય 18 વિધાનસભા વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં મુખ્યમંત્રી રઘુવર દાસ સહિત 260 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તેમાં 29 મહિલા ઉમેદવાર છે. મતદાતાઓની સંખ્યા 48,25,038 છે. 2014ની ચૂંટણીમાં આ 20 સીટ પર 68.01 ટકા વોટિંગ થયું હતું. સવારે 9 વાગ્યા સુધીમાં 13.03% મતદાન થયું મુખ્યમંત્રી રઘુવર દાસ, સ્પીકર ડૉ. દિનેશ ઉરાંવ, ભાજપના બળવાખોર નેતા સરયુ રાય, મંત્રી નીલકંઠ સિંહ મુંડા, મંત્રી રામચંદ્ર સહિસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા સહિત ઘણાં દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા આ તબક્કાની ચૂંટણી સાથે જોડાયેલી છે.
આ 20 વિધાનસભા વિસ્તારમાંથી 16 અનુસુચિત જનજાતીઓ માટે, જ્યારે એક અનુસુચિત જાતી માટે આરક્ષિત છે. બાકીની 3 સીટો સામાન્ય શ્રેણીની છે. આ વિધાનસભા વિસ્તારના ચૂંટણી મેદાનમાં 231 પુરુષ અને 29 મહિલા સહિત કુલ 260 ઉમેદવાર મેદાનમાં છે. જમશેદપુર પૂર્વી અને જમશેદપુર પશ્ચિમી સીટથી સૌથી વધારે 20-20 ઉમેદવાર જ્યારે સરાયકેલાથી સૌથી ઓછા 7 ઉમેદવાર મેદાનમાં છે. પોટકા, ચાઈબાસા અને મનોહરપુર સીટથી સૌથી વદારે 3-3 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તમાડ- રીતા દેવી મુંડા (ભાજપ), રામદુર્લભ સિંહ મુંડા (આજસૂ પાર્ટી, વિકાસ કુમાર મુંડા (ઝામુમો) અને ગોપાલ કૃષ્ણ પાતર ઉર્ફે રાજા પીટર (એનસીપી)
ઘાટશિલા: લખન ચંદ્રી માર્ડી (ભાજપ), પ્રદીપ કુમાર બલમુચૂ (આજસૂ), રામદાસ સોરેન (ઝામુમો)
જુગસલાઈ: મુચીરામ બાઉરી (ભાજપ), રામચંદ્ર સહિસ (આજસૂ) અને મંગલ કાલિંદી (ઝામુમો)
ચક્રધરપુર: લક્ષ્મણ ગિલુવા (ભાજપ), શશિભૂષણ સામડ (ઝાવિમો) અને સુખરામ ઉરાંવ (ઝામુમો)
માંડર: બંધુ તિર્કી (ઝાવિમો), દેવ કુમાર ધાન (ભાજપ), સન્ની ટોપ્પો (કોંગ્રેસ)
તોરપા: કોચે મુંડા (ભાજપ), સુદીપ ગુડિયા (ઝામુમો), પૌલુસ સુરીન (અપક્ષ)
કોલેબિરા: સુજન જોજો (ભાજપ), નમન બિક્સલ કોંગાડી (કોંગ્રેસ), આઈરિન એક્કા (ઝાપા)
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાના મતદાન દરમિયાન સવારે ગુમલા જિલ્લાના સિસઇ મતદાન કેન્દ્ર નંબર 36 પર મતદાન કરવા આવેલા લોકો પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ ગોળીબાર થયો હોવાના અહેવાલ હતા. ગોળીબારમાં એક વ્યક્તિનું મરણ થયું હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોએ એવી ફરિયાદ કરી હતી કે અમને મતદાન કરતાં અટકાવવા કેટલાંક અનિષ્ટ તત્ત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારો અટકાવવા પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. ઘટનાના સમાચાર મળતાં તરત ચૂંટણી પંચના અધિકારીઓ ત્યાં જવા રવાના થઇ ગયા હતા.