ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતને અત્યંત દુ:ખદ ગણાવતા ઉમેર્યું હતું કે, પીડિતાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે અને તમામ આરોપીઓને કડક સજા કરવામાં આવશે. યોગીએ જણાવ્યું હતું કે, ગેંગરેપની પીડિતાને સળગાવનાર તમામ આરોપીઓ ઝડપાઈ ગયો છે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે તેમજ આરોપીઓને સજા કરવામાં આવશે. પીડિતાએ ગઈકાલે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા. પીડિતા ગેંગરેપ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે જઈ રહી હતી તે જ વખતે જામીન પર છૂટેલા આરોપીઓએ તેને આંતરી હતી અને તેને જીવતી સળગાવી દીધી હતી. 90 ટકા જેટલી દાઝી જવાથી તેને સૌપ્રથમ લખનઉ હોસ્પિટલમાં અને ત્યારબાદ દિલ્હી સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેણે દમ તોડ્યો હતો. ઉન્નાવના દર્દનાક રેપ કાંડ બાદ પીડિતાને કોર્ટમાં જતી વખતે આંતરીને જીવતી સળગાવનાર નરાધમોને કડક સજા કરવાની માંગ પીડિતાના ભાઈએ કરી છે. બહેનના મોત બાદ ભાઈએ જણાવ્યું કે ‘મારી બહેનને ત્યારે જ ન્યાય મળ્યો ગણાશે જ્યારે આરોપીઓને એ સ્થાને મોકલાશે જ્યાં મારી બહેન જતી રહી છે.’ ‘તેણે મને કહ્યું હતું કે- ભાઈ મને બચાવી લે. હું ખુબ જ દુ:ખી છું કે હું તેને બચાવી ના શક્યો.’ પીડિતાના ભાઈએ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવા અથવા ફાંસીએ લટકાવી દેવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે ‘આવા લોકોને જીવવાનો કોઈ જ અધિકાર નથી.’ ઉન્નાવ પીડિતાને ન્યાય અપાવવા માટે ભાઈએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, ‘અમે હવે અહીંથી (દિલ્હીથી) બિહાર જઈશું. બહેનની લાશને આરોપીઓએ સળગાવી દીધી હોવાથી અમે હવે તેની દફનવિધિ જ કરીશું.’