કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલે કૉંગ્રેસ ને રામરામ કરી દીધા છે.અને તેઓ સપામાં જોડાયા છે.કોંગ્રેસમાં રહેલા કપિલ સિબ્બલે સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કપિલ સિબ્બલે સપાના મુખ્યાલયે જઈને અખિલેશ યાદવ સાથે બેઠક કરી હતી. જે બાદ તેઓ રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા. આ સમયે અખિલેશ યાદવ પણ તેમની સાથે હતા. લાંબા સમયથી કોંગ્રેસમાં અસંતોષના સૂર વ્યક્ત કરનારા કપિલ સિબ્બલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે 16 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.સમાજવાદી પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે પોતાની પત્ની ડિમ્પલ યાદવને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે. ડિમ્પલ ઉપરાંત દેશના પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલ અને જાવેદ અલી ખાનને નામ પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં છે. કપિલ સિબ્બલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે જાવેદ અલી ખાન સપાના ખાતામાં પહેલા પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.મળતી માહિતી મુજબ, અખિલેશ યાદવ 1 જૂને દિલ્હી આવ્યા હતા. જ્યાં આ તમામ દાવેદારો પહોંચી ગયા હતા. સમાજવાદી પાર્ટી દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવેલી યાદીમાં સૌથી ચોંકાવનારું નામ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલનું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પગલા દ્વારા સમાજવાદી પાર્ટી એક તીરથી 2 નિશાન સાધવાની કોશિશ કરી રહી છે. કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કેસ લડ્યો હતો.
તે જ સમયે સૂત્રોના જણાવ્યા અનુસાર, અખિલેશ યાદવનું માનવું છે કે, એક મુસ્લિમ નેતાને પણ રાજ્યસભામાં મોકલવો જોઈએ. ત્યારબાદ ઈમરાન મસૂદ, સલીમ શેરવાની અને જાવેદ અલીના નામ સામે આવ્યા છે પરંતુ વર્તમાન યાદીમાં જાવેદ અલીના નામ પર મહોર લાગી ગઈ છે. જાવેદ અલી ભૂતકાળમાં પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.રાજ્યસભાની 11 સીટો માટે નોમિનેશન પ્રક્રિયા 24 મેથી શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી હાલમાં 3 લોકોને રાજ્યસભામાં મોકલવાની સ્થિતિમાં છે. રાજ્યસભામાં અત્યાર સુધી સપાના 5 સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશંભર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.