વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો અને હસ્તીઓએ આઘાત-દુખ વ્યક્ત કર્યું
કોલકતા
જાણિતા બોલીવૂડ ગાયક કૃષ્ણકુમાર કુન્નથ એટલે કે કેકેનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પડી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તેમને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાળવા મળશે.
કેકે બોલીવુડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા તે ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના ‘યારો’ ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટીકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે હવે બોલીવૂડમાં શોકની લહેર છે. KKનું પ્રથમ આલ્બમ ‘પાલ’ વર્ષ 1999માં રિલિઝ થયું હતું. સિંગર-કોમ્પોઝીટર કે જેમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું તેમણે બોલીવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે તડપ તડપ (હમ દિલ દે ચુકે સનમ, 1999), દસ બહાને (દસ,2005), તુને મારી એન્ટ્રીયા (ગુંડે,2014) જેવા ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝીક રજૂ કર્યાં હતા.અનેક યાદગાર ફિલ્મી ગીતોથી અમર થયા તેમણે સલામન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના ‘તડપ તડપ કે ઈસ દિલ’ ગીતથી એક ખાસ છાપ છોડી છે. આ ઉપરાંત ફિલ્મ બચના એ હસીનોંનાની ખુદા જાને, કાઈટ્સ ફિલ્મની જિંદગી દો પલ કી, ફિલ્મ જન્નતનું ગીત જરા સા, ગેંગસ્ટર ફિલ્મનું ગીત તુહી મેરી શબ હૈ, શાહરુખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત આંખો મેં તેરી અજબ સી તેમ જ બજરંગી ભાઈજાનના ગીત તુ જો મિલા, ઈકબાલ ફિલ્મનું આશાએઁ અને અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મના ગીત મૈ તેરા ધડકન તેરીથી ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા.
PM મોદીએ કહ્યું KKના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક અવસાનથી હું દુખી છું. તેમના ગીતોએ લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શ્રૃંખલાને દર્શાવી છે. તેમના ગીતો તમામ વયના લોકો સાથે જોડાયેલા છે. આપણે તેમના ગીતો મારફતે હંમેશા તેમને યાદ રાખશું. PM મોદીએ KKના પરિવાર અને પ્રશંસકો પ્રતે સંવેદના વ્યક્ત કરી છે.