કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે સવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડો રજૂ કર્યો હતો જે 293 વિરુદ્ધ 82 મતોથી મંજૂર થયો હતો. વિપક્ષોએ ધર્મના આધારે નાગરિકતા આપવાનો વિરોધ કર્યો હતો અને ભારે હો હા મચાવી મૂકી હતી. વારંવાર અમિત શાહને બોલતાં અટકાવવાના પ્રયાસો થયા હતા. જરાય ડગ્યા વિના અમિત શાહે કહ્યું કે, અમારી સરકાર કાયદેસર રીતે પાંચ વર્ષ માટે ચૂંટાયેલી છે એટલે તમારે મને સાંભળવોજ પડશે. તેમણે કહ્યું કે આજે ધર્મના આધારે નાગરિકત્વ આપવાના મુદ્દાનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યો છે પરંતુ ધર્મના આધારે દેશના ભાગલા કોંગ્રેસેજ કર્યા છે. મતદાન થયું ત્યારે લોકસભામાં 375 સભ્યો હાજર હતા. અમિત શાહે કહ્યું હતું કે બીજા બધા ધર્મના શરણાર્થીઓ આવકાર્ય છે, મુસ્લિમ શરણાર્થીઓ આવકાર્ય નથી.
અન્ય એક તબક્કે તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં મુસ્લિમ પર કદી કોઇ અત્યાચાર થતો નથી. અન્ય ધર્મના લઘુમતી લોકો પરજ સતત અત્યાચાર થાય છે. નાગરિકતા સુધારા ખરડો કાયદો બને તો પાકિસ્તાન, બાંગ્લા દેશ, નેપાળ અને અફગાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, ઇસાઇ અને બૌદ્ધ નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળી જશે. અત્યાર અગાઉ ક્રિકેટ મેચ જોવાને બહાને કે અજમેર શરીફની યાત્રા કરવાને બહાને બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી આવેલા અનેક લોકો વીઝાની મુદત પૂરી થયા બાદ પણ સ્વદેશ પાછા જતા નથી. આવા લોકો જે વિસ્તારમાં હોય ત્યાંની સ્થાનિક પ્રજાના અધિકારો પર નવા ઘુસણખોરોને કારણે તરાપ પડતી હોય છે. આસામ ગણસંગ્રામ પરિષદે 2016માં એવા ભયે આ ખરડાનો વિરોધ કરીને એનડીએ છોડી દીધો હતો કે આસામમાં રહેલા હજારો બાંગ્લાદેશી હિન્દુઓને કાયદેસરનું નાગરિકત્વ મળી જશે. આ વખતે આસામ ગણસંગ્રામ પરિષદનો વ્યૂહ કેવો છે એની જાહેરાત કરવામાં આવી નથી,.