રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ લાવી ઐતિહાસિક નિર્ણય કરવા બદલ આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગ)ના હોદ્દેદારો તેમજ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો દ્વારા સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે રાજયના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનું મોમેન્ટો, શાલ, પુસ્તક તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમ અવસરે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ પટેલના હકારાત્મક અભિગમને કારણે માધ્યમિક સંવર્ગના ૨૫ થી ૩૦ વર્ષ જૂના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે. શિક્ષકો-અમારો પરિવાર છે અને પરિવારના વાજબી તમામ પ્રશ્નનો ઉકેલ લાવવો અમારી જવાબદારી છે. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયેલા આ નિર્ણયથી રૂ. ૪૦૦ કરોડનો વધારાનો બોજ વહન કરવો પડશે, જો કે ગુજરાતનું આવતી કાલનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને જ્ઞાન – શિક્ષણ આપતા રાજ્યના લાખો શિક્ષકો અને તેમના પરિવારને જે લાભ થશે તે અકલ્પનીય હશે. આ નિર્ણયથી માત્ર શિક્ષકોને જ નહિ, વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. રાજ્યના શિક્ષકોની ઘટ દૂર થતાં ક્વોલિટી એજ્યુકેશન મળતું થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોઈપણ સમસ્યાનું સમાધાન – એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની કાર્યપ્રણાલી રહી છે. તેમની આ જ કાર્યપ્રણાલી અપનાવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ હેઠળ ચાલતી આ સરકાર હજુ પણ કોઈ નાની-મોટી સમસ્યાઓ હશે, તો સંવાદ કરીને તેને દૂર કરવા પ્રયત્ન કરશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલે રાજ્યના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીશ્રીઓ અને નાણામંત્રી મંત્રીશ્રીનો આભાર માની કહ્યું હતું કે, રાજ્યના શિક્ષકોના ૯૮ ટકા પ્રશ્નોનો ઉકેલ રાજ્ય સરકારે લાવી દીધો છે. એક સાથે આટલા બધા પ્રશ્નોના ઉકેલને ઐતિહાસિક નિર્ણય ગણાવી તેમણે કહ્યું કે, રાજ્યના શિક્ષકો માટે આ સરકારે કરેલી ચિંતાઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ક્યારેય ભૂલશે નહીં.