સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપથી કોંગ્રેસ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે : કૉંગ્રેસના કાર્યકર – આગેવાન પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરાયો , જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિત ધારાસભ્યો, આગેવાનોની મોટી સંખ્યામાં અટકાયત કરાઇ
અમદાવાદ
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ જીએમડીસી હોલ આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમટેલી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી.રાહુલ ગાંધી સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે ? કોંગ્રેસ પક્ષ એ ગાંધી – સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સિધ્ધાર્થ પટેલે, પૂર્વ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, વિશાળ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઈ, ઈડી સહિતની કેન્દ્રીય સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી જનતાના અવાજને – વિપક્ષના અવાજને દબાવવાનો નિષ્ફળ – નિરર્થક પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. અંગ્રેજો દ્વારા નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ઘટનાને વખોડતા પુજ્ય મહાત્મા ગાંધીજીએ “રાષ્ટ્રીય ચળવળ માટેની કરૂણ ઘટના” તરીકે વર્ણવ્યું હતું. વર્તમાન સમયમાં સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું. આ નાણાકીય કટોકટીમાંથી ઉગરવા માટે કોંગ્રેસ પક્ષે ૨૦૦૨ થી ૨૦૧૧ દરમ્યાન ૧૦૦ હપ્તે ૯૦ કરોડની રકમ નેશનલ હેરાલ્ડના કર્મચારીઓના પગાર, સ્વેચ્છિક નિવૃત્તી, વિજળી બીલ, વેરો સહિતની ચૂકવણી માટે આપ્યા હતા. જેને ભાજપ ગુન્હો ગણાવે છે પરંતુ ભારતના ચૂંટણી પંચે આ બાબતમાં કોઈપણ પ્રકારનો ગુન્હાહિત વાત ન હોવાનું જણાવ્યું હતું. ભાજપ દ્વારા કરવામાં આવતા આક્ષેપો વાહિયાત અને બદઈરાદા પૂર્ણ છે. શ્રીમતિ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો સ્પષ્ટ આશય એ હતો કે, ઐતિહાસીક વિરાસત ધરાવતું, આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર “નેશનલ હેરાલ્ડ” નું જતન કરવામાં આવે.આ સત્ય માટેની લડાઈ છે સત્યનો હંમેશા વિજય થાય છે અને આ વખતે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ આ અગ્નિ પરીક્ષામાંથી વધારે ઉજ્જવળ બનીને બહાર આવશે.
સત્યાગ્રહ કાર્યક્રમનો સફળ સંચાલન ડૉ. જીતુ પટેલે કર્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો , પદાધિકારીઓ, જીલ્લા – તાલુકાના પ્રમુખો , ચૂંટાયેલા હોદ્દેદારો , મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., સેવાદળ, તેમજ ફ્રન્ટલના હોદ્દેદારોએ ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને લાંબા સમય સુધી પોલીસ તંત્ર સામે સંઘર્ષ બાદ કાર્યકર્તા – આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, પોલીસ તંત્ર દ્વારા બળપ્રયોગમાં કાર્યકર્તાઓને ઈજા પણ થઈ હતી.