ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્ર દરમિયાન કોંગ્રેસે વિધાનસભા તરફ કુચ કરવાની જાહેરાંત કરતા ગાંઘીનગરમાં પ્રવેશ થવાના તમામ રસ્તા ઉપર પોલીસ ખડકી દેવામાં આવી હતી. જયારે વિધાનસભાના દરવાજા ઉપર પણ તમામ કારને તપાસ બાદ પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન ભાજપના મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની કારમાંથી તલવાર મળી આવી હતી. જો કે સત્તાધારી પક્ષના ધાાસભ્ય હોવાને કારણે પોલીસે તલવાર જપ્ત કર્યા પછી તેમને સાપ સુંઘી ગયો હતો.
કોંગ્રેસના કાર્યકરો વિધાનસભામાં પ્રવેશ કરી શકે નહીં તે માટે પોલીસે લોંખડી સુરક્ષા રાખી હતી, ધારાસભ્ય, અધિકારીઓ અને પત્રકારોને પણ પુરતી ચકાસણી બાદ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન એમએલએ ગુજરાત લખેલી કાર વિધાનસભામાં પ્રવેશ કરી રહી હતી, ત્યારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી તલવાર મળી આવી હતી. જો કે કાર સત્તાધારી પક્ષના ધારાસભ્ય અર્જુનસિંહ છે તેવી ખબર પડતા પોલીસનો મુડ બદલાઈ ગયો હતો. તેમણે કારમાંથી તલવાર તો લઈ લીધી હતી પણ ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી કરી નથી. વિધાનસભાના નિયમ પ્રમાણે વિધાનસભામાં પોલીસને પણ પોતાના સરકારી હથિયાર સાથે પ્રવેશ કરવાની મંજુરી નથી.