સરકારે આ મામલામાં તપાસની ખાતરી આપી છે જોકે ઉમેદવારોએ પરીક્ષા રદ ન કરાય તો આવતી કાલથી આમરણ ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગરમાં ઠંડીમાં રાત ગુજારનારા આંદોલનકારીઓએ ‘અમે આતંકવાદી નથી’, ‘પરીક્ષા રદ ન થાય તો બીજેપીને વોટ નહીં’, ‘નવ નિર્માણ આંદોલન-૨૦૧૯’,જેવાં સ્લોગનો લખ્યાં છે. ઉમેદવારો કહે છે કે સરકાર પરીક્ષા રદ કરવાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી અમે સ્થળ પરથી હટીશું નહીં. જો સરકાર પરીક્ષા રદ નહીં કરે તો આવતી કાલથી વિદ્યાર્થીઓ,સામાજિક કાર્યકરો અને ખેડૂત આગેવાનો આમરણ ઉપવાસ કરશે.’ ઉમેદવારો કહે છે કે અમને સાથ આપે તે તમામ પક્ષના લોકોને આવકારીએ છીએ. વિધાનસભાનાં સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ અમને મળવા આવી શકે છે. જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. દરમિયાન ગઇ કાલે રાતે રવિવારે રાત્રે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસના આગેવાનો આંદોલનકારી ઉમેદવારોને મળ્યા હતા. બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના વિરોધ બાદ SITની રચના કરી છે. SIT 10 દિવસમાં રિપોર્ટ સોપશે. સરકારે SIT રચવાના કરેલા આદેશ સાથે વિદ્યાર્થી નેતાઓએ સંતોષ માની લીધો હતો. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે. ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.