આરોપી અરુણસિંહ ઉર્ફે અન્ના અને બીરેન્દ્ર રાઠૌર
અમદાવાદ
અમદાવાદમાં પાલડી ખાતે નુતન સોસાયટીમાં ઘરઘાટીને હથિયાર બતાવી બંધક બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની કરેલ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.એચ.શિણોલ તથા પો.સ.ઇ. બી.આર.ક્રિશ્ચયન તથા અન્ય સ્ક્વોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે સ્ક્વોર્ડના પો.સ.ઇ. એમ.એચ.શિણોલને મળેલ બાતમી આધારે આરોપીઓ અરુણસિંહ ઉર્ફે અન્ના , બીરેન્દ્ર રાઠૌરને ઓઢવ રીંગ રોડ સિલ્વર હેબીટેટ પાસેથી રેકી કરવા ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિં.રૂ.૨૦,૦૦૦/- મળી | કુલ કિં.રૂ.૭૦,૦૦૦/- ની મત્તા સાથે આજ રોજ મળી આવતાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(બી-એ) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ હતી. આરોપીઓની પુછપરછ દરમિયાન આરોપી અરૂણસિંહ રાઠૌરે આ ગુન્હાને અંજામ આપવા માટે સહ આરોપીનો સંપર્ક કરી તેઓને હથિયારો સાથે અમદાવાદ ખાતે બોલાવી તેઓને પોતાના ઘરે રહેવાની સગવડ કરી આપેલ હતી. તેમજ બનાવના આગળના દિવસે તેણે સહ આરોપી સાથે લૂંટ કરેલ જગ્યાની રેકી કરેલ હતી. લૂંટનો ગુન્હો કરવા માટે મોટર સાયકલની જરૂર હોય જેથી અરૂણસિંહ રાઠૌર સહ આરોપીઓ સાથે મણીનગર, એલ.જી. હોસ્પિટલ ખાતે ગયેલો જ્યાંથી સહ આરોપીઓએ એક સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હતી.
ચોરી કરેલ મોટર સાયકલ ઉપર પકડાયેલ આરોપી તથા સહ આરોપીઓ આગળના દિવસે રેકી કરેલ જગ્યા નુતન સોસાયટી ખાતે ગયા હતા. પકડાયેલ આરોપી બિરેન્દ્ર રાઠૌર સોસાયટીની બહાર ઉભો રહીને ચોકી પહેરો કરતો હતો. સહ આરોપીઓ લૂંટ કરવા સોસાયટીમાં આવેલ મકાનની અંદર ગયા અને સાથી આરોપીઓએ મકાનમાં ઘુસી હથિયારો બતાવી મકાનમાં હાજર ઘરઘાટીઓને બંધક બનાવી મકાન માંથી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરેલ હતી.
ત્યાર બાદ તેઓએ લૂંટમાં ઉપયોગ કરેલ ચોરીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રસ્તામાં બીનવારસી છોડી દઇ તેઓ રોકાયેલ હતા ત્યાં ઓઢવ, રીંગ રોડ, સિલ્વર હેબીટેટ ફ્લેટ ખાતે આવી ગયા હતા . લુંટ કરેલ મુદ્દામાલમાંથી રોકડ રૂ.૧૩,૬૦૦/- અરૂણસિંહ રાઠૌર તથા બિરેન્દ્ર રાઠૌરને આપી ત્રણેય સહ આરોપીઓએ તે જ દિવસે સાંજે અલગ અલગ સમયે ભાગી ગયેલ હતા. જે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત પકડાયેલ બંને ઇસમો તથા તેઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ પાલડી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૯૪, ૪૫૨, ૧૧૪ તથા આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)(એ) મુજબના કામે સોંપવા તજવીજ કરેલ છે.