હૈદરાબાદ રેપ અને હત્યા કેસના આરોપીઓનો એન્કાઉન્ટર વિવાદ હજુ પણ સમ્યો નથી. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારમાંથી બે આરોપીઓના પરિવારજનોએ દાવો કર્યો છે કે, તેઓ સગીર હતા. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ની સામે પણ પરિવારે આક્ષેપ કર્યો હતો કે ચારેયને એક બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા છે. ચાર આરોપીમાંથી બે આરોપી નવીન અને શિવા ટ્રક ક્લીનર હતા, જ્યારે અરીફ અને ચેન્નાકેશવુલુ ટ્રક ચલાવતા હતા. ચાર આરોપીઓ પૈકી એક નવીનની માતા લક્ષ્મીએ જણાવ્યું હતું કે, નવીન મારો એકમાત્ર પુત્ર હતો અને જ્યારે તેને મારી નાંખવામાં આવ્યો ત્યારે તેની વય માત્ર 17 વર્ષ હતી. તેનો જન્મ 2002માં થયો હતો. કેટલાક વર્ષ પહેલા જ તેણે શાળા છોડી દીધી હતી. અમને વહેલી તકે ચિન્નાપોર સ્થિત શાળામાંથી લીવિંગ સર્ટિફિકેટ મળી જશે. શિવાના પિત જે રંજનાએ એનએચઆરસીના અધિકારીઓને જણાવ્યું હતું કે, મને શંકા છે કે પોલીસે તેના પુત્રને એક ફેક એન્કાઉન્ટરમાં મારી નાંખ્યો છે. તેઓ હથિયારોથી સજ્જ પોલીસની સામે કેવીરીતે ભાગવાનો પ્રયાસ કરી શકે છે? જો મારા પુત્રએ ગુનો કર્યો છે તો પોલીસે તેને કોર્ટને સોંપી દેવો જોઇએ. મારા પુત્ર શિવાનો જન્મ 5 ઓગસ્ટ 2002માં થયો હતો. તેણે ગુડિગંડલા સરકારી શાળાના હેડમાસ્ટર દ્વારા જાહેર કરાયેલું એક સર્ટિફેકેટ પણ રજુ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ તેમના પર હુમલો કર્યો અને બે પોલીસકર્મીઓની બંદૂક છીનવી લીધી હતી, ત્યારબાદ અમે તેમનું એન્કાઉન્ટર કરી દીધું હતું. ચેન્નાકેશવુલુના પિતા કુરમાપ્પાએ જણાવ્યું હતું કે, મારા પુત્રને લઈ ગયા ત્યારે મને કહ્યું હતું કે સવારે 6 વાગ્યે છોડી દઇશું, પરંતુ ત્યારબાદ તેનો ફોન છીનવી લીધો હતો. પોલીસે મારા પુત્રને મારી નાંખ્યો અને તેના હાથમાં બંદૂક રાખી દીધી હતી. ચેન્નાકેવસુલુ 19 વર્ષનો હોવાનું જણાવાય છે.