ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં જ સળગાવ્યું છે. મેવાણીએ આજે મીડિયા સમક્ષ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેના વિધેયકની નકલને આગ લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બિલ સળગાવતી વખતે જીગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું. ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત- આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે અનુસુચિત જનજાતિના 27 અને દલિત સમાજના 13 ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઇએ. ગુજરાતની અંદર આદિવાસી સમાજને તેમના બંધારણિય અધિકારો મળતા નથી અને બંધારણિય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું.