મહેસાણા જિલ્લાના ઊંઝામાં મા ઉમિયાના આંગણે 18 થી 22 ડિસેમ્બર સુધી પાવન અવસરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પાંચ દિવસના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે. ત્યારે રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતાં આ અવરસના આયોજનમાં ચાર ચાંદ લાગ્યા છે. ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરના પ્રાંગણમાં કડવા પાટીદારોએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કર્યું છે. પાંચ દિવસના આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત દેશ-દુનિયામાંથી 50 લાખથી વધુ લોકો મુલાકાત લેશે તેવો અંદાજ છે. અને આ મહોત્સવ પાછળ અંદાજે 150 કરોડથી વધુનો ખર્ચ થશે. યજ્ઞશાળા પાસે 108 કુંડમાં હોમ કરવામાં આવશે. જેમાં પાટીદારોની સાથે અન્ય જ્ઞાતિઓ પણ જોડાશે. પાટીદાર સમાજે જોબ ફેર સહિત અદ્યતન ટેક્નોલોજી સાથે ખાસ એસ.સી ડોમ તૈયાર કરાવ્યા છે. સરકારની નીતિ અને રીતિ સહિત વેપાર-ઉદ્યોગ તેમજ ખેડૂતોને લગતા પ્રદર્શનનું આયોજન કર્યું છે. તો મુલાકાતીઓ વિવિધ રાઈડમાં મનોરંજન પણ માણી શકશે. પાંચ દિવસના મહોત્સવ માટે મંદિર ટ્રસ્ટે ખાસ 800 વિઘા જમીન દાતા પાસેથી મેળવી છે. જ્યાં સરકારના સહયોગથી પાંચ દિવસ માટે ઉમા નગર ઉભુ કરવામાં આવ્યું છે. આટલા મોટા અને ભવ્ય મહોત્સવ માટે રાજ્ય સરકારે પણ પાટીદારોને આકર્ષવા 40 કરોડ જેટલી રકમની ગ્રાંટ ફાળવી છે. જેમાંથી ઉંઝા નગરપાલિકાએ રોડ રસ્તા લાઈટ અને સફાઈ સહિત પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક તરફ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં અનામત આંદોલનમાં એકઠા થયા હતા. જે જોતા હવે મા ઉમિયાના રૂડા અવરસમાં ફરીથી એકઠા થઈને આયોજન બદ્ધ રીતે કામ કરી રહ્યા છે.