ફોટા : અશોક રાઠોડ
ગુજરાત સરકારે પેપર લીક માટે પીએચડી કરી હોય તેવું લાગી રહ્યું છે : NSUI રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન
એન.એસ.યુ.આઈ. રાજ્ય વ્યાપી ‘નો ડ્રગ્સ’ કેમ્પેઈન ચલાવશે : ગુજરાતમાં ડ્રગ્સ મામલે સરકાર જો ઢીલી નીતિ અપનાવશે ત્યાં એન.એસ.યુ.આઈ. આંદોલનાત્મક કાર્યક્રમ આપશે તેવી રાજ્ય સરકારને ચીમકી
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે સરકારી શાળાઓને બંધ કરવામાં આવી રહી છે. બીજીબાજુ ખાનગી શાળાઓ – કોલેજોને આડેધડ મંજુરી આપવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવનાર વિદ્યાર્થીઓ અને ખાસ કરી દીકરીઓને સરકારી હોસ્ટેલ અને રહેવાની વ્યવસ્થા મળતી નથી. પરિણામે ઉંચા ભાડાથી ખાનગી રૂમ રાખીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૧૨૫ બેઠક સાથે સરકાર બનાવશે. ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનામાં ગુનેગારો સામે પગલાં લેવામાં આવતા નથી ત્યારે જો ગુજરાતમાં આગામી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં કૉંગ્રેસ ની સરકાર આવશે તો એક જ અઠવાડિયામાં ૧૪ પેપર ફોડનારાને પાતાળમાંથી શોધીને લાવીશું.કોંગ્રેસ સરકાર બનતાની સાથે સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફોડનારા (કૌભાંડ કરનાર) આરોપીઓને ઓળખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતમાં જે રીતે નશાનો વેપાર બેરોકટોક ચાલી રહ્યો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ દરરોજ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. તેનો ભોગ ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સહિત તમામ વર્ગના વિદ્યાર્થીઓ – યુવાનો બની રહ્યાં છે. ગુજરાતના વિદ્યાર્થીઓ – યુવાનો ડ્રગ્સના ખપ્પરમાં ના હોમાઈ જાય તે માટે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. રાજ્યવ્યાપી “નો ડ્રગ્સ” કેમ્પેઈન ચલાવશે.ડ્રગ્સ લાવવા માટે ગુજરાત ગેટ વે બની ગયું છે.વિદેશથી એક જ પ્રાઈવેટ બંદર પર ડ્રગ્સ ઉતારવામાં આવે છે અને સમગ્ર દેશમાં ફેલાય છે. કોઈની પણ ધાકધમકી થી ડર્યા વગર NSUI ના વિદ્યાર્થીઓ નેતૃત્વ દિશા નક્કી કરી કાર્યક્રમો તરફ આગળ વધે અને શિસ્ત અને અનુશાસન જાળવે તેવી મારી અપેક્ષા છે.
એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન
એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદને જણાવ્યું હતું કે,નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને તેમની ટીમને અભિનંદન આપું છું અને આવકારું છું. ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ વધી રહ્યું છે. નવી શિક્ષણનિતીમાં, શિક્ષણના વ્યાપારને મોટા પાયે પ્રોત્સાહન મળે તે રીતે નીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ પક્ષની નિતી હંમેશા છેવાડાના પરિવારોને ધ્યાનમાં રાખી નિતિ ઘડવામાં આવે છે. ભાજપ શાસનમાં અમીરોને – ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખી નિતી ઘડવામાં આવે છે. એન.એસ.યુ.આઈ. દરેક કેમ્પસમાં વિદ્યાર્થીઓના હક્ક – અધિકાર માટે સતત લડતું સંગઠન છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો દ્વારા લડત આપશે. કેન્દ્રની ભાજપ સરકાર શિક્ષણના વ્યાપારીકરણ સતત પ્રોત્સાહન આપી રહી છે. દેશની વર્ષો જુની સ્થપાયેલી પ્રસ્થાપિત ઉચ્ચ દરજ્જાની શૈક્ષણીક કેમ્પસ – સંસ્થાઓને ભાજપ સરકાર તોડી રહી છે જેને લીધે દેશને ભરપાઈ ન થઈ શકે તેવું ભારે નુકસાન થઈ રહ્યું છે.
પેપર લીક મુદ્દે કુંદને જણાવ્યું હતું કે ગુજરાત સરકારે પેપર લીક માટે PHD કરી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી વિરોધી ગુજરાતની ભાજપ સરકારને હટાવવાનું કામ NSUI ના વિદ્યાર્થીઓ કરશે.શિક્ષણ નીતિની નવી પોલિસીમાં છેલ્લા વ્યક્તિને લાભ ન મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.SC , ST અને સ્કોલરશીપ મુદ્દે પણ NSUI અવાજ ઉઠાવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કો-ઓર્ડીનેશન કમિટીના સભ્ય ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કો-ઓર્ડીનેશન કમિટીના સભ્ય ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એન.એસ.યુ.આઈ. હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં વિવિધ યુનિવર્સિટી – કોલેજોની ચૂંટણીમાં એન.એસ.યુ.આઈ.નો વિજય થાય છે. રાજ્ય સરકારની કુંભકર્ણનિતિ ના લીધે રોજ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. જે રીતે ‘ઉડતા પંજાબ’ થયું તે રીતે ‘ઉડતા ગુજરાત’ થવા દેવામાં નહિ આવે તે માટે એન.એસ.યુ.આઈ. દરેક કેમ્પસમાં આક્રમક કાર્યક્રમો આપશે. નો ડ્રગ્સ (No Drugs) ના વિચાર સાથે આકાશમાં ફુગ્ગા ઉડાવીને વિરોધ કાર્યક્રમને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ગુજરાત એન.એસ. યુ.આઈનાં નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકી
ગુજરાત એન.એસ. યુ.આઈનાં નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારમાંથી આવતા મારા જેવા વિદ્યાર્થી ને પ્રમુખ બનાવ્યો તેના માટે હું કૉંગ્રેસ પક્ષ અને NSUI ના મારા સાથીદારોનો આભારી છું.આગામી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં NSUI કૉંગ્રેસ પક્ષ સાથે ખભો થી ખભો મિલાવીને પૂરી તાકાતથી કામ કરશે તેવું હું વચન આપું છું.ભાજપ સામે લડવા માટે NSUI રોડ પર પણ ઉતરશે અને જેલમાં જવું પડશે તો તેની પણ તૈયારી રાખશે પણ વિદ્યાર્થી અને વાલીઓને ન્યાય અપાવવાનું કામ કરશે.કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ તરીકે મારા જેવા સામાન્ય પરિવારથી આવતા કાર્યકરને રાષ્ટ્રિય નેતૃત્વએ તક આપી છે. એન.એસ.યુ.આઈ. સમગ્ર રાજ્યમાં વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં પ્રવાસ કાર્યક્રમ કરીને એન.એસ.યુ.આઈ.ના સંગઠનને વધુ મજબૂત બનાવાશે. એન.એસ.યુ.આઈ. રાજ્ય વ્યાપી ‘નો ડ્રગ્સ’ કેમ્પેઈન ચલાવશે અને રાજ્ય સરકારને ચીમકી આપે છે કે ગુજરાતમાં ડ્રગ્સના વેપાર પર કડક પગલા ભરી રોક લગાડવામાં આવે અને સરકાર જો ઢીલી નીતિ અપનાવશે ત્યાં એન.એસ.યુ.આઈ. આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.
કાર્યકર્તાઓએ હાથ ઉંચા ઉઠાવીને ‘ડ્રગ્સના વિરૂદ્ધ યુધ્ધ’ માટે સમર્થન – સપથ લીધા
એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રભારી સતવીર ચૌધરી, એન.એસ.યુ.આઈ.ના પૂર્વ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, ઉમાકાંત માંકડ, ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, ગુલાબસિંહ રાજપુત, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, પ્રદેશના ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, શહેર પ્રમુખ નીરવ બક્ષી, માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કન્વીનર શાહનવાઝ શેખ, યુવક કોંગ્રેસ રાષ્ટ્રીય પદાધિકારી હરપાલસિંહ ચુડાસમા, પ્રદીપ સિંધવ, પુજા શાહ, ભાષાભાષી સેલના અધ્યક્ષ કરણસિંહ તોમર, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એન.એસ.યુ.આઈ. દ્વારા નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો શપથગ્રહણ સમારંભ બાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાથ ઉંચા ઉઠાવીને ‘ડ્રગ્સના વિરૂદ્ધ યુધ્ધ’ માટે સમર્થન – સપથ લીધા હતા.