કૃષિ મંત્રી રાઘવજી પટેલ
રાજ્ય સરકાર સર્વે પૂર્ણ થયા બાદ નિયમોનુસાર સહાય કરશે
ગાંધીનગર
રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત તેવા છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે આ ત્રણ જિલ્લાઓ નો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો આ વેળાએ ત્રણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રી એ તેમના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી રાજ્ય સરકાર સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવશે એવો વિશ્વાસ અસરગ્રસ્તોને આપ્યો હતો.
કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે આજે છોટાઉદેપુર જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે થયેલ નુકશાન અંગેના સર્વેની અને ચુકવણા અગે કલેક્ટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી કલેક્ટર, ડી.ડી.ઓ., એસ.પી અને તમામ સંકલનના અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ કૃષિ મંત્રીશ્રીએ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના પાક નુકશાની સર્વે બાબતે વિઝીટ કરી હતી જેમાં બોડેલી તાલુકાના ખોડિયા અને પાણેજ એમ બે ગામોની મુલાકાત કરી જેમાં ખોડિયા ગામમાં બે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરી હતી. જેમાં ખેડૂતોએ કયા પાકનું વાવેતર કર્યું હતું તથા કેટલી વખત વાવેતર ખેતરમાં કર્યું હતું અને ૩ થી ૪ ફૂટ પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતાં તે અંગે રજૂઆત કરી હતી. ત્યાર બાદ માન. કૃષિ મંત્રીશ્રી પાલેજ ગામમાં રાજપૂત રમેશસિંહ ઓમસીહનાં ખેતરની મુલાકાત લીધી હતી, તેમાં ખેતરમાં ૩૮ ટોલી છાણિયું ખાતર ખેડૂતે ખેતરમાં નાખેલ છે, તે બધું ધોવાય ગયેલ છે, અને ૩ થી ૪ ફૂટ રેતીનો કાંપ ખેતરમા આવી ગયેલ છે. જે ખેડૂતે જેસીબીથી રેતીના કાંપને દુર કરવાની રજૂઆત કરી હતી. તે સિવાય ખેડૂતોના ખેતરમાં નદીનું પાણી આવતું હોવાથી તે પાણીને રોકવા માટે બોડેલી – નસવાડી નેશનલ હાઈવે નંબર ૫૬ પાલેજ ગામમાં રોડ પર નાળુ બનાવવાની પણ રજૂઆત કરી હતી.ગ્રામજનો દ્વારા કેશડેઓલ, ઘરવખરી, પશુસહાય ના રજુઆતના સંદર્ભે સ્થળ પર જ સહાય ડી.બી.ટી. માધ્યમથી સર્વે ગ્રામજનોને મળી ગઈ છે તે અગે ખાતરી પણ વ્યકત કરી હતી. મંત્રીશ્રી એ ખેતીનું સર્વે પણ ટુંક સમયમાં પૂર્ણ કરવાની પણ સંબંધિતોને સુચના આપી હતી.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ધારા સભ્યશ્રી તથા પદાધિકારીઓ સાથે છોટાઉદેપુર જિલ્લામાં થયેલ અતિ ભારે વરસાદમાં નસવાડી તાલુકાના ૨૧૨ ગામ ખુબજ પ્રભાવિત થયા હતાં, તેમાં પાક નુકશાની જોવા મળી છે. જેમાં નસવાડી તાલુકાનું આકોના ગામની મંત્રીશ્રી એ મુલાકાત લીધી હતી.અને શ્રીમતિ સોલંકી સુરજબેન રતનસિંહ સહિત ગ્રામજનો સાથે ખેતીલક્ષી પ્રશ્નોતરી કરી હતી. ત્યારબાદ ધોડી સીમેલ ગામે ભીલ રતિલાલભાઈ કરશનભાઈ તથા સરપંચશ્રી સાથે પણ ખેતીના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરીને પાક નુકશાન થયેલ વિસ્તારની મુલાકાત લીધી હતી.બાકી રહેલ જે ગામો છે તેની સર્વેની કામગીરી ગ્રામ સેવક મિત્રો દ્વારા હાલ કાર્યરત છે.
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનના જાત નિરીક્ષણ માટે મંત્રીશ્રી રાઘવજી પટેલ જિલ્લાની મુલાકાત દરમિયાન ડુમા ગામના ખેડુત શારદાબેન નાયકના ખેતરની મુલાકાત લઈને જમીન ધોવાણ બાબતે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. પંચમહાલ જિલ્લામા ગત દિવસોમા ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે થયેલ નુકશાનના જાત નિરીક્ષણ માટે રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અતિવૃષ્ટીગ્રસ્ત ડુમા ગામની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. અને ભારે વરસાદથી થયેલ નુકસાન બાબતે અસરગ્રસ્તો સાથે સંવાદ સાધી સરકારશ્રી તરફથી મળતી સહાય બાબતે સબંધિત અધીકારીગણોને સર્વે કરાવી જરૂરી સહાય આપવા જણાવ્યું હતુ.
મંત્રીએ ડુમા ખાતે ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતુ કે તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં થયેલ નુકસાન બાબતે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મુલાકાત લેવા આવ્યો છું. જેમા અત્રે થયેલ નુકસાન બાબતે સરકારશ્રી તરફથી તમામ પ્રકારની સહાય ચુકવવામા આવશે. વધુમા તેમણે કહ્યુ કે ખેતીવાડી નુકસાન, જમીન ધોવાણ, જાનમાલને નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, મકાન પડી જવું વગેરે બાબતોમા સરકારશ્રી તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. આ મુલાકાત સમયે મંત્રીએ ડુમા ગામના ખેડુત શારદાબેન નાયકના ખેતરની મુલાકાત લઈને જમીન ધોવાણ બાબતે સ્થળ નિરીક્ષણ કરી સબંધીત અધીકારીઓને જરુરી સલાહ સુચનો સાથે માર્ગદર્શિત કર્યા હતા. મંત્રીની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, પ્રાંત અધીકારીશ્રી, પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના સંબધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ખેડૂતબંધુ દિનેશભાઈ તડવીને મુશ્કેલીઓ દૂર કરવા બનતા પ્રયાસ કરવા જણાવ્યું. તે ઉપરાંત નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના હજરાપરા તેમજ ગરુડેશ્વર તાલુકાના અખ્તેશ્વર ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત ખેડૂતોની આપવીતી સાંભળી હતી. નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.