પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બુધવારના રોજ કહ્યું કે હું જીડીપીમાં આવેલી મંદીના કારણે ચિંતિત નથી. આ જે કંઈ પણ થઈ રહ્યું છે તેની અસર સમય જતા અર્થવ્યવસ્થા પર જરૂરથી જોવા મળશે. આજે જાહેર ક્ષેત્રોની બેંકોને મૂડીની જરૂર છે અને તે અયોગ્ય પણ નથી. પ્રણવ મુખરજીએ બુધવારે કોલકાતામાં ઈન્ડયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટેસ્ટિક્સમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમયિાન તેમણે કહ્યું હતું કે આર્થિક સંકટ દરમિયાન બેંકોએ મજબૂતી દર્શાવી હતી. તે વખતે હું નાણામંત્રી હતો. ત્યારે કોઈ પણ જાહેર ક્ષેત્રની બેંકોએ પૈસા લેવા માટે મારી સાથે સંપર્ક નહતો કર્યો. સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે લોકતંત્રમાં તે અંગે ચર્ચા થવી ખૂબ જ જરૂર છે. તેમજ આંકડાઓની પ્રામાણિકતાને તથ્યના રૂપમાં યથાવત્ રાખવું પણ ખૂબ જરૂરી છે. તેની સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવા યોગ્ય નથી. ક્યારેક-ક્યારેક હું છાપામાં વાંચું છું કે ડેટા પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, તે જોઈને મને ખૂબ દુ:ખ થતું હોય છે. યોજના આયોગે દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને એ વાતનો આનંદ છે કે કેટલાક કાર્યો આજે પણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે.