તિહાર જેલે ઉત્તર પ્રદેશને બે જલ્લાદ માંગતા આગામી થોડા દિવસોમાં નિર્ભયા ગેંગરેપના બળાત્કારીઓને ફાંસની સજા અપાશે તેવી અટકળો વધુ પ્રબળ બની રહી છે. નિર્ભયા રેપ કેસના ચાર આરોપીઓ હાલ તિહાર જેલમાં છે. ઉત્તર પ્રદેશના એડિશનલ ડિરેક્ટર જનરલ (જેલ) આનંદ કુમારે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ જલ્લાદ આપવા તૈયાર છે. યુપી જેલ પોલીસ વડાના મતે તિહાર જેલ પ્રશાસન પાસે જલ્લાદ નથી અને જે ગુનેગારને ફાંસીની સજા મળી છે તેમની પાસે કોઈ બંધારણીયે કે કાયદાકીય વિકલ્પ પણ બચ્યો નથી. તિહાર જેલ પ્રશાસન જાણે છે કે યુપી પાસે બે જલ્લાદ છે જેથી તેમણે તેમની માંગ કરી છે અને અમે બે જલ્લાદ તિહાર જેલને આપીશું, તેમ આનંદ કુમારે વધુમાં જણાવ્યું હતું. યુપી જેલ વડાને તિહાર જેલ પ્રશાસન પાસેથી 9 ડિસેમ્બરના જલ્લાદની માગણી કરી અરજીનો ફેક્સ મળ્યો હતો અને ટૂંકા ગાળમાં બે જલ્લાદ પુરા પાડવા રજૂઆત કરાઈ હતી. જો કે પત્રમાં કોને ફાંસી આપવાની છે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. નિર્ભયા કેસના ચાર આરોપીઓ પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને વિનય શર્માને બે વર્ષથી ફાંસની સજા ફરમાવામાં આવી છે અને હવે તેમને ફાંસીને લઈને તૈયારીઓ થઈ રહી હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે. સૂત્રોના મતે 16 ડિસેમ્બરે (નિર્ભયા પર રેપ થયો તે જ દિવસે) આરોપીઓને ફાંસી આપવામાં આવી શકે છે.