બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ કે. અબ્દુલ મોમને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. તેમણે ભારતમાં યોજાનારા ઈન્ડિયન ઓશન ડાયલોગ, દિલ્હી ડાયલોગમાં સામેલ થવા માટે ભારત આવવાના હતા, પરંતુ પરિસ્થિતિને જોતા હવે તેમણે ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, તેમની જગ્યાએ બાંગ્લાદેશના DG ભારત પ્રવાસ પર આવશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ગુરૂવારે સવારે જ નાગરિકતા સુધારણા બિલ પર તીખી પ્રતિક્રીયા આપી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રી 13-14 ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસ પર આવવાના હતા. આ પ્રવાસને રદ્દ કરતા બાંગ્લાદેશી વિદેશ મંત્રીએ કહ્યું કે મને દિલ્હીના કેટલાક કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું પરંતુ વિદેશ રાજ્ય મંત્રી અને વિદેશ સચિવ બંને દેશની બહાર છે. તેથી મારે ઘરે જ રહેવું પડશે, પરંતુ હું જાન્યુઆરી મહિનામાં આ બેઠકમાં જરૂરથી હાજરી આપીશ.