ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ ૧૨ જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના ૮ લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં ૨ મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ જીૈં્ ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે.
હું એસ.ડી. રાણા પો. સબ.ઇન્સ. રાણપુર પોલીસ સ્ટેશન જી. બોટાદ…તા.૨૬/૦૭/૨૦૨૨ રાણપુર પો.સ્ટે.અમોત નંબર-૦૯/૨૦૨૨ સીઆરપીસી કલમ ૧૭૪ મુજબના બનાવની દેવાગણા ગામે તપાસ કરતાં અમોને જાણવા મળેલ કે મરણ જનાર વાઘજીભાઇ મોહનભાઇ મકવાણા રહે. કોરડા તા. ચુડા હાલ રહે. દેવગણા તા. રાણપુરવાળાઓ દારૂ પીવાની ટેવવાળા હોય અને દેવગણા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ અજિતસિંહ ચુડાસમાના ગલ્લેથી કૅમિકલ જેવું પ્રવાહી પીવાના કારણે મરણ ગયેલ છે તેવી હકીકત મળતા ગલ્લે ચેક કરતાં એક પ્લાસ્ટિકની થેલીમાં આશરે પાંચ લીટર જેટલું રંગહિન કૅમિકલ જેવું પ્રવાહી મળી આવેલ, અને મહેન્દ્રસિંહની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, વાઘજીભાઇ તા.૨૪/૦૭/૨૦૨૨ના રોજ ગલ્લેથી ૨ પોટલી કિ.રૂ.૪૦ આપીને લઇ ગયેલ છે.
કૅમિકલ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે તે પૂછતાં તેણે જણાવેલ કે ચોકડી ગામના પીન્ટુભાઇ રસીકભાઇ દેવીપૂજકનાઓ તા.૨૪/૦૭/૨૦૨૨ ના રોજ બપોરના ચારેક વાગ્યે દેવગણા ગામે આવેલ અને ૧૦ લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.૧૦૦૦/- ચુકવણી કરેલ અને ત્યારબાદ આ કૅમિકલમાંથી મેં આશરે પાંચ લીટર જેટલું રાખી બાકીના ૫ લીટર કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને લોકોને વેચાણ કરેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઇરાદા પુર્વક આ ઝેરી કમિકલ પીવાથી પીનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઇરાદા પુર્વક વેચાણ કરી ઉપર જણાવેલ લોકોના મોત નીપજાવી ગુનો કરેલ હોય, મારી ઉપરોકત તમામ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરીયાદ છે. મારા સાહેદો ફરિયાદમાં જણાવેલ તેમજ તપાસમાં મળી આવે તે વિગેરે છે.
આજ રોજ તા. ૨૬-૭-૨૨ બરવાળા પો.સ્ટે. અમોત નંબર-૦૯-૨૦૨૨ સી.આર.પી.સી. મ.૧૭૪ મુજબના બનાવની તપાસ અમોએ સંભાળેલ અને આ બનેલ બનાવ શંકાસ્પદ હોઈ રોજિદ ગામે તપાસ કરતાં જાણવા મળેલ કે મરણ જનાર શાંતિભાઈ તળશીભાઈ પરમાર રહે. રોજિદ તા. બરવાળા રોજિદ ગામે રહેતી ગજુબેન પ્રવિણભાઈ વડદરિયાનાઓના ઘરે દારૂ પીવાના કારણે મરણ ગયેલ છે. અમોએ ગજુબેનના ઘરે ચેક કરતાં પ્લાસ્ટિકની થેલીમાં આશરે ૮ લીટર જેટલું રંગહીન કૅમિકલ જેવુ પ્રવાહી મળી આવેલ.
ગજુબેનની પૂછપરછ કરતાં તેણીએ જણાવેલ કે, શાંતિભાઈ તા. ૨૫-૭-૨૦૨૨ના રોજ મારી પાસેથી ૨ પોટલી કિં. રૂ. ૪૦ આપીને લઈ ગયેલ છે. રંગહીન કૅમિકલ બાબતે પૂછતાં તેણીએ જણાવેલ કે કૅમિકલ પોતે ચોકડી ગામના પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજકનાઓ તા. ૨૫-૭-૨૨ના રોજ સવારના છએક વાગ્યે અહીં રોજિદ ગામે આવેલ અને મને ૨૦ લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.૨૦૦ ચૂકવણી કરેલ અને ત્યાર બાદ મેં આશરે ૧૨ લીટર જેટલા કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને છૂટક વેચાણ કરેલ.
એફએસએલ ગાંધીનગર ખાતેથી પૃથક્કરણ અહેવાલ વંચાણે લેતાં તેમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી અનુક્રમે ૯૮.૭૧ ટકા તથા ૯૮.૯૯ ટકા હોવાનું શોધાયેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પાનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરી ઉપર જણાવેલ દશ લોકોના મોત નીપજાવી ગુનો કરેલ હોય મારી ઉપરોક્ત તમામ આરોપીઓ તેમજ તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ છે.