લાલુંગગામમાં નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ગોળીઓ ચલાવી છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કરતા કહ્યું કે દેખાવકારોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો અને ઈંટો પણ ફેંકી હતી. પોલીસે તેમને શાંત કરવા માટેના શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમ છતા પણ તે લોકો ત્યાંથી હટ્યા નહતા. દરમિયાન નાગરિક બિલના હિંસક વિરોધ વચ્ચે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારને ફરજ પરથી હટાવી દેવાયા છે. નાગરિકતા બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે અને પૂર્વોત્તર ભારતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદલવામાં આવ્યા છે. ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારની જગ્યાએ મુન્ના પ્રસાદ ગુપ્તાને ગુવાહાટીના નવા સીપી તરીકે નિમવામાં આવ્યા છે. આસામના એડિશનલ જનરલ ઓફ પોલીસ મુકેશ અગ્રવાલની પણ એડીજીપી (સીઆઈડી ક્રાઈમ) તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ જી પી સિંઘની નિમણૂક કરવામાં આવી છે. આસામમાં વિરોધ પ્રદર્શન વકરતા આજે બપોરે 12 વાગ્યાથી વધુ 48 કલાક માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.