સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચ હાલ સુનાવણી કરી રહી છે.બંધ ચેમ્બરમાં પાંચ જજની ખંડપીઠ 18 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ દરમિયાન નક્કી કરવામાં આવશે કે આ અરજીઓ પર સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવશે કે નહિ. સાથે જ આ અરજીઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવશે. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ રિવ્યું અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું છે કે આ નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી નથી. કોર્ટ આ મામલામાં સ્પષ્ટ આદેશ આપે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની સાથે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને સંજીવ ખન્ના સુનાવણી કરશે. સુનાવણી આજે બપોરે 1.40થી શરૂ થશે, જે બંધ રૂમમાં ચાલશે. આ ખંડપીઠમાં જસ્ટિસ સંજીવ ખન્ના નવો ચહેરો હશે. પ્રથમ બેન્ચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમનું સ્થાન લીધુ છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલામાં 9 નવેમ્બરે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલે કે રામ મંદિર બનાવવા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.