ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ સરકાર જાહેર કરે
અમદાવાદ
રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બનેલી આત્મહત્યાની ઘટના એ અત્યંત દુઃખદ છે. સામાન્ય – મધ્યમ પરિવાર પોતાના પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યાં છે અને સરકારી નોકરી મળે તેના સ્વપ્ના સેવે છે. પરંતુ ગુજરાતમાં પાંચ લાખથી વધુ સરકારી નોકરીઓ ખાલી છે પરંતુ ભાજપ સરકાર સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતી નથી. કોંગ્રેસની રાજસ્થાનની અને છત્તીસગઢ સરકારે “શહેરી રોજગાર ગેરંટી યોજના” થકી લાખો યુવાનોને રોજગાર માટે ઐતહાસિક નિર્ણય કર્યો. મનરેગા જેવી રોજગાર લક્ષી યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ કરાયું છે જ્યારે ભાજપ સરકાર કુશાસનને પાપે ગુજરાતના યુવાનો ડ્રગ્સ-દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. રાજકોટના યુવાનની આત્મહત્યાની ગંભીર ઘટના બાદ સરકારી ભરતી પ્રક્રિયા સમયસર કરે અને ભરતી કેલેન્ડર જાહેર કરે, તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
બેરોજગારીને લીધે આત્મહત્યાના વધી રહેલા બનાવો અંગે યુવા વિરોધી – રોજગાર વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રકાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતી જતી બેરોજગારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓના વારંવાર પેપર ફૂટવા સહિતની સમસ્યાઓમાં ગુજરાતના યુવાનોનું જીવવુ મુશ્કેલ બન્યું છે. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાના ગાણાગાતી ભાજપ સરકારના શાસનમાં રોજગાર ન મળવાને પગલે ગુજરાતના યુવાન આત્મહત્યા કરી રહ્યાં છે. છેલ્લા સાત વર્ષમાં ૨૭ હજારથી વધુ યુવાનોએ બેરોજગારીને લીધે આત્મહત્યા કરી. રાજકોટના ગોંડલ ખાતે ૨૩ વર્ષીય યુવાને સરકારી ભરતીની તક ન મળતા આત્મહત્યા કરી લીધી છે. વાયબ્રન્ટ ગુજરાત, ફેસ્ટીવલ-તાયફાઓની સમયસર જાહેરાતો થાય પરંતુ યુવાનોને રોજગાર મળે તેવી સરકારી ભરતીની જાહેરાતો, પરીક્ષાઓ, નિમણુંકો સમયસર થતી નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આ બાબતે રજુઆત કરવામાં આવી પરંતુ યુવા વિરોધી ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોને રોજગાર ન આપવા સહિત ગુજરાતમાં ૫૫ હજાર થી વધુ સ્મોલ અને મીડીયમ સ્કેલ, ગૃહઉદ્યોગો બંધ થઈ ગયા. લાખો યુવાનોને રોજગાર આપતી મનરેગા યોજનાને મૃતપ્રાય કરી દેવામાં આવી. અગ્નિપથ જેવી અણઘડ યોજનાની જાહેરાતને પગલે એક ડઝનથી વધુ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમ લઠ્ઠાકાંડ એ હત્યાકાંડ છે તેમ ગોંડલના જયેશ સરવૈયાની આત્મહત્યા નથી એ હત્યા જ છે. ગુજરાતના શિક્ષીત યુવાન જયેશ સરવૈયાની આત્મહત્યા માટે જવાબદાર કોણ ? ભાજપ સરકાર જવાબ આપે. કોરોના કાળ દરમ્યાન અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાની વાત કરતી ભાજપ સરકારના શાસનમાં આઠ કરોડથી વધુ બેરોજગાર બન્યા. ભાજપ સરકારના અસંવેદનશીલ અને નિષ્ક્રિય વલણના પગલે ગુજરાતના યુવાન હતાશ અને નિરાશ થઈ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરે તે ખુબ ચિંતાનો વિષય છે. ગોંડલના યુવાન જયેશના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ સરકાર જાહેર કરે, તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
રાજ્યમાં વધતીજતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ૨૭ વર્ષથી ભાજપની સરકારે આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના યુવાનોનું ખાસ કરીને અનુસુચિત જાતિના યુવાનોનું શોષણ કરી રહી છે. સરકારી ભરતીએ ગુજરાતના યુવાનનો હક્ક છે જે ભાજપ સરકાર છીનવી રહી છે. માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકારે ૧૪ એપ્રિલના રોજ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા છ લાખ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજદીન સુધી કોઈ પરિપત્ર કે લાભ વિદ્યાર્થીઓને મળતો નથી. ભાજપ સરકાર રાજકોટના આત્મહત્યાના કિસ્સા પરથી બોધ નહી લે તો બેરોજગારી-અનુસુચિત જાતિના મુદ્દાઓને લઈને વિધાનસભા ઘેરાવો – વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર વાર્તામાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બીમલ શાહ, ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ હાજર રહ્યા હતા.