આવનારા સમયમાં વધુ 650 ઈલેક્ટ્રીક બસો અમદાવાદ શહેરમાં દોડતી થશે. હાલ આ બસોની સંખ્યા 225 જ છે. જેની સામે આગામી સમયમાં કુલ 900 બસો બીઆરટીએસ જનમાર્ગ પર દોડશે. આજે BRTSના અધિકારીઓની મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક મળી હતી. જેમાં વધુ 300 ઈલેક્ટ્રીક બસનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ 350 ઈલેક્ટ્રીક બસો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેનો ઓર્ડર અશોક લેનન અને ટાટા મોટર્સને આપવામાં આવ્યો હતો. અગાઉ આપવામાં આવેલા 350 બસના ઓર્ડરમાંથી 50 બસ અમદાવાદમાં તૈયાર થઈને આવી ગઈ છે. જે આગામી 10 દિવસમાં દોડતી થશે અને આગામી 6થી 8 મહિનામાં તમામ બસો શહેરના માર્ગો પર દોડતી થશે. એટલે કે 2020નું વર્ષ અમદાવાદીઓનો વાહન વ્યવહાર વધુ સારો બનાવશે.