લમ્પી વાયરસથી મોતને ભેટનાર ગાય માતાને બચાવવા મુખ્યમંત્રી તાત્કાલીક પગલાની જાહેરાત કરે : જગદીશ ઠાકોર
ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું : ગૃહમંત્રી રાજીનામું આપે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્મા
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઊપનેતા શૈલેષ પરમાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ
ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, પદાધિકારીઓ, આગેવાનોને આક્રમકતાથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે ! રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. ૭૦થી વધુએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ભાજપની દારૂબંદીની પોલખોલી ખુલી ગયેલ છે. બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ કોઈ આવાજ ઉઠાવે ત્યારે ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે ! ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ૭૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. ગુજરાતના પોર્ટો ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાનો પ્રયત્ન ના કર્યો ત્યારે ગૃહમંત્રીએ પોતાના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
“લઠ્ઠાકાંડ – શરાબકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે” ની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ એ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ છે ! ગુજરાતમાં વારંવાર બનતા લઠ્ઠાકાંડે ભાજપની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. સખત અમલીકરણ, વારંવાર ગૃહખાતાની કામગીરીની વાહવાહી કરી પોતાની પીઠ ધાબડતા ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચારી રહ્યાં છે. સ્કુલ – કોલેજોમાં ડ્રગ્સનો પગ પેસારો થયો છે. પાનના ગલ્લા, ચાર રસ્તા ઉપર ડ્રગ્સના સેવન માટેની સામગ્રી આસાનીથી મળી રહે છે. રેલ્વે-પોર્ટ-એરપોર્ટ તમામ માર્ગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસી રહ્યું છે. બોટાદ-અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનામાં ભાજપના કોઈપણ કેન્દ્રીય નેતાગીરીને સાંત્વના પાઠવવાનો સમય મળ્યો નથી. કોંગ્રેસ પક્ષના આદરણીય રાહુલ ગાંધીએ ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા ગાંધી – સરદારના ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવ્યું. ? તે અંગે સવાલો કર્યા હતા. ભાજપ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરે અને ગુજરાતના ગૃહમંત્રી પોતાની નિષ્ફળતા સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી
જીજ્ઞેશ મેવાણી એ જણાવ્યું કે આ લઠ્ઠાકાંડ બાદ મીડિયા અને કાઁગ્રેસના દબાણ હેઠળ સરકારે નાના નાના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા . તાજેતરમાં ગોંડલના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવી પડી જે દુઃખદ બાબત છે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતિ જેનીબેન ઠુમ્મર
જેનીબેન ઠુમ્મરે જણાવ્યું કે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ લોકોની જવાબદારી સરકારની છે ત્યારે હાથ ઊંચા કરી રહી છે.આ સરકારમાં ગલીએ ગલીએ દારૂ મળી રહ્યો છે ત્યારે આવા પ્રકારના લઠ્ઠાકાંડ થાય છે.અમે રોજીદ ગામમાં ગયા ત્યારે અમે પૂછ્યું કે દારૂ ક્યાં મળે છે ત્યારે દસ દસ વર્ષના છોકરાઓએ કીધું કે દારૂ અહીંયા મળે છે અમને ખબર છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ દરેક જગ્યાએ મળે છે.
શેહઝાદખાન પઠાણ
અમદાવાદ વિરોધપક્ષના નેતા શેહઝાદખાને જણાવ્યું કે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર પરિવારનો અવાજ ઉઠાવવા માટે કૉંગ્રેસ લડાઈના મેદાન માં ઉતરી છે. અને કૉંગ્રેસ અડીખમ ઉભી રહેશે.
લમ્પી વાયરસથી મોટા પાયે મોતને ભેટનાર ગાય માતાને બચાવવાની માંગ સાથે મુખ્યમંત્રી તાત્કાલીક પગલાની જાહેરાત કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, ૭ મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને SDRF ની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવામાં આવે.
ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ દ્વારકા-જામનગર વિસ્તારમાં અને ત્યારબાદ કચ્છમાં ગૌશાળાઓ – પાંજરાપોળ સંચાલકો સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી, કૃષિ અને પશુપાલન મંત્રીને ૧૬ માંગણીઓ સાથેનો ગુજરાત કિસાન કોંગ્રેસે પત્ર લખ્યા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું. સરકાર અને તંત્ર હરકતમાં તો આવ્યું પણ માત્ર જાહેરાતો જીવી સરકાર હોય તેને ૨૨ જુલાઈએ રાજ્ય સરકાર તલાટી મંત્રીને આદેશ કરતો પરિપત્ર કરે છે. આ પરિપત્ર મુજબ તલાટી મંત્રીએ ઘરે ઘરે જઈ બિમાર પશુઓની નોંધ કરી ૨૫ જુલાઈએ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે દુઃખની વાત એ છે કે ત્રણ ગામ વચ્ચે એક તલાટીમંત્રી છે તે ત્રણ દિવસમાં આ રિપોર્ટ કઈ રીતે તૈયાર કરી શકશે ?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા અધ્યક્ષ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી અને હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઊપનેતા શૈલેષ પરમાર, વરિષ્ઠ આગેવાનો બાલુભાઈ પટેલ, રાજુ પરમાર, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતિ જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, વિરજી ઠુમ્મર, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બીમલ શાહ, ડૉ. જીતુ પટેલ, નીશીત વ્યાસ, ગીતાબેન પટેલ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, અમદાવાદ વિરોધપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ, હિમાંશુ પટેલ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો , કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.