આમ આદમી પાર્ટી એ શિક્ષણ ક્ષેત્ર ના દરેક મુદ્દે પુરાવા સાથે વિરોધ કર્યા છે, છતાંય કોઈ પગલાં લેવાતા નથી: રાકેશ હિરપરા
શાળા સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા, ગ્રેડ પે, યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, સ્કુલ બેગ, વગેરે મુદ્દે વિરોધ અને રજૂઆત થશે એ ડરથી ભાજપના અધ્યક્ષે સભા માત્ર 22 મિનિટમાં જ પૂરી કરી દીધી: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 21 કામમાંથી છેલ્લા 10 કામો એક સાથે પાસ કરી દેવામાં આવ્યા: સભાની ગરીમા ભંગ થાય એવું કોઈ પણ કૃત્ય મેં એ આજ સુધી કર્યું નથી: રાકેશ હિરપરા
જો જલ્દી પરિવર્તન ન આવ્યું, તો ‘આપ’ ગુજરાત માં શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટે વિરોધ પ્રદર્શન નું ઉગ્ર રૂપ ધારણ કરશે: રાકેશ હિરપરા
સુરત
આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા એ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા કહ્યું કે, 1 ઓગસ્ટ ની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શાળાઓ ની સફાઈ, શાળા સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા, ગ્રેડ પે, યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, સ્કુલ બેગ, વગેરે મુદ્દે વિરોધ અને રજૂઆત થશે એ ડરથી ભાજપના અધ્યક્ષે સભા માત્ર 22 મિનિટમાં જ પૂરી કરી દેવામાં આવી હતી. સભાની શરૂઆતમાં જ તમામ મુદ્દાઓ સાથેની અરજી આપવા છતાંય, બોલવાનો સમય માંગવા છતાંય, ઝીરો અવર્સની માંગણી કરવા છતાંય 21 કામમાંથી છેલ્લા 10 કામો એક સાથે પાસ કરી દેવામાં આવ્યા હતા.
રાકેશ હિરપરા એ કહ્યું કે, ભાજપના સભ્ય દ્વારા મારા માટે વારંવાર નક્સલી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો અને મને ત્રણ સભા માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી. સમિતિ ના અન્ય સભ્યો સામાન્ય સભા ની અંદર વારંવાર પોતાની પાર્ટીનું અને વિપક્ષી પાર્ટીનું નામ લેતા હોય છે પણ મેં આજ સુધી “કોઈ પણ” પાર્ટીનું નામ સામાન્ય સભામાં લીધું નથી. સભાની ગરીમા ભંગ થાય એવું કોઈ પણ કૃત્ય મેં એ આજ સુધી કર્યું નથી.
શિક્ષણ સમિતિની સામાન્ય સભા માં નક્કી થયેલ 21 કામમાંથી નીચે દર્શાવેલ કામ માટે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે.
કામ નંબર 1 : વિરોધ (અહેવાલ લખવામાં ગોટાળાઓ અને વિપક્ષ નો વિરોધ ન નોંધવા બાબતે)
અગાઉ વારંવાર લેખિત અને મૌખીક રજૂઆતો કર્યા છતાંય અને છેલ્લી સામાન્ય સભામાં તો પુરાવા આપવા છતાંય અહેવાલ લખવામાં ગોટાળાઓ કરવામાં આવે છે તેમજ વિરોધ નોંધવામાં આવતો નથી. 06 જુન, 2022 ના રોજ યોજાયેલી સામાન્ય સભાના કામ નંબર 2, 3, 6, 8, 9, 10, 11 અને 12 માં કોમ્પ્યુટર ખરીદી માં ગેરરીતિ, યુનિફોર્મ અને બુટ-મોજા ખરીદીમાં થયેલા ગોટાળાઓ, યુનિફોર્મ અને બુટ-મોજા આપવામાં થઇ રહેલા વિલંબ બાબતે અમારો વિરોધ નોંધવામાં આવ્યો નથી. જો અહેવાલ બરાબર ન લખવો હોય, વિપક્ષને સભામાં બોલવા ન દેવા હોય અને વિરોધ પણ ન નોંધવો હોય તો પછી સામાન્ય સભા બોલાવવા નો કોઈ અર્થ ખરો?
કામ નંબર 2 : વિરોધ (સ્કૂલબેગ, બે જોડી ગણવેશ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, વગેરે ની નબળી ગુણવત્તા અને વિલંબ બાબતે)
બાળકોને સારામાં સારી ગુણવત્તાવાળી સ્કુલબેગ, બે જોડી યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, વગેરે તમામ જરૂરી વસ્તુઓ શાળા શરૂ થતાની સાથે જ મળવી જોઈએ. આ અંગે વારંવાર રજૂઆતો છતાંય કોઈ સુધારો આવતો નથી. સ્કૂલ બેગના ઓર્ડરને લગતા કાગળો ફાઈલમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે તેમજ વારંવાર માહિતી ઓ માંગવા છતાંય આ અંગે કોઈ માહિતી આપવામાં આવતી નથી.
કામ નંબર 4 : વિરોધ (પટ્ટાઓ નહી, પાટલીઓ (બેંચ) આપવામાં આવે)
કામ નંબર 5 : (તમામ શાળાઓને સફાઈની પૂરતી ગ્રાંટ આપવામાં આવે અથવા સફાઈકર્મી આપવામાં આવે)
સમિતિની તમામ શાળાઓ માં સફાઈ માટે પ્રતિ માસ 1300 થી લઈને મહત્તમ 2600 રૂપિયા સુધીની નાની અમથી રકમ આપવામાં આવે છે. આટલા ઓછા પૈસામાં આખી શાળાની સફાઈ કોણ કરી આપે ? ઓછી ગ્રાન્ટને કારણે શાળાઓ માં પૂરતી સફાઈ થતી નથી. આ ગ્રાન્ટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે અથવા તમામ શાળાઓને સફાઈકર્મી ફાળવવામાં આવે.
કામ નંબર 7 : વિરોધ (સામયિકોનો સદુપયોગ નથી થતો, સમિતિ રેકોર્ડ સાચવતી નથી)
સમિતિ અગાઉથી જ અનેક સામયિકો શાળામાં મોકલે છે જેનો કોઈ ઉપયોગ થતો નથી તેમજ આ સામયિકોનો કોઈ રેકોર્ડ સાચવવા પણ સમિતિ સક્ષમ નથી તો પછી એક નવું સામયિક શા માટે ?
કામ નંબર 9 : વિરોધ (સતત ભૂલો કરતી વ્યક્તિ ને શા માટે છાવરવામાં આવે છે ?)
કાગળો બતાવે છે કે વિજય ગુલાબ પવાર નામની આ વ્યક્તિ વારંવાર ભૂલ કરતી આવી છે તો પછી આવી વ્યક્તિને વારંવાર તક કેમ આપવામાં આવે છે ?
કામ નંબર 10 : વિરોધ (એજન્સીને પૈસા ન આપવા જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ)
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ ધોરણ 1 ના બાળકોને સ્ટોરીટેલીંગ (વાર્તા કહેવા) માટે 20 જુન 2022 ના રોજ અલગ અલગ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતાં. એમાં ત્રણ કંપનીઓ એ પોતાના ભાવ મોકલ્યા હતાં. સૌ પ્રથમ વાત તો એ કે આટલા અનુભવી શિક્ષકો સમિતિ પાસે હોવા છતાંય માત્ર 45 મિનીટ ની વાર્તા કહેવા માટે બહારની એજન્સીને કામ શા માટે આપવું પડે ?
સમિતિ કહે છે કે સમિતિની દરેક શાળામાં સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર અને ઈન્ટરનેટની સુવિધા છે તો પછી બહારની એજન્સી ને વાર્તા કહેવા માટે 45 મિનિટ ના 1880 રૂપિયા શા માટે આપવાના ?
આ કામ માટે નુપુર ગજેરા, નિયા ક્રીએશન અને છેલના શાહ નામની નીચે દર્શાવેલી ત્રણ કંપની/વ્યક્તિઓ એ તૈયારી બતાવી હતી અને ભાવ મોકલ્યા હતાં. પણ એમણે જે સરનામા સાથે અરજી કરી હતી એ સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી નથી.
નુપુર ગજેરા – 303, શાંતિનિકેતન એપાર્ટમેન્ટ, SD જૈન શાળાની બાજુમાં, વેસુ.
ઉપરના સરનામે કોઈ વસવાટ જ નથી કરતું અને એપાર્ટમેન્ટની નીચે ૩૦૩ નંબર સામે કોઈનું નામ લખેલ નથી.
છેલના શાહ – 230, એમ્બ્રોસીયા બિઝનેસ હબ, VIP રોડ, વેસુ.
ઉપરના સરનામે કેલીગ્રાફી ના ક્લાસ ચાલે છે અને એના માલિક છેલના શાહ નામની કોઈ વ્યક્તિ ને ઓળખતા નથી.
નિયા ક્રિએશન – ફ્લેટ નંબર 1, શ્રીજી ચેમ્બર્સ, પોપટ મહોલ્લો, નાનપુરા.
ઉપરના સરનામે અર્થ આર્કીટેક્ચર કરીને કોઈ કંપની ચાલે છે.
20 જૂન ના રોજ સમિતિએ આ કામની જાહેરાત કરી અને એના એ જ દિવસે નુપુર ગજેરાના નામે અરજી ઇનવર્ડ થઇ ગઈ. 21 જુન ના રોજ છેલના શાહ અને નિયા ક્રીએશને અરજી ઓ ઈનવર્ડ કરાવી અને એમના આવક નંબર છે 5344 અને 5345, એનો અર્થ એવો થયો કે બંને એક જ સમયે અરજી કરવા માટે આવ્યા હતા. છેલના શાહ અને નુપુર ગજેરાની અરજી અક્ષરશઃ એક જેવી જ છે, એનો અર્થ એવો થયો કે આ ખોટી અરજી ઓ કોઈ એક વ્યક્તિ એ જ બનાવેલી છે.
નિયા ક્રિએશન ના માલિકે 24 જુન ના રોજ પોતાના આ કામના ફોટા ફેસબુક ઉપર મુક્યા હતાં, એ ફોટા શાળાના વાલીઓ અને શિક્ષકો ને બતાવવામાં આવ્યા ત્યારે એમણે જણાવ્યું કે આ પ્રવૃત્તિ તો શિક્ષકોએ જાતે મહેનત કરીને બાળકો પાસે કરાવેલી છે, કોઈ એજન્સીએ આ પ્રવૃત્તિ કરાવી નથી.
આ ઘટનાની તપાસ કરવામાં આવે અને નિયા ક્રીએશન ને પૈસા ન ચુકવવામાં આવે.
કામ નંબર 11 : વિરોધ (એક જ એજન્સીને વારંવાર કામ કેમ ? શિક્ષકોની લાયકાત નું શું ?)
આ પ્રકારના કામ માત્ર આકાર અને સુકાનીને જ શા માટે આપવામાં આવે છે ? આ કામ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા હાથ કેમ ન ધરવામાં આવી ? શિક્ષકોની લાયકાત ના નિયમોનું પાલન એજન્સી દ્વારા કરવામાં નથી આવતું છતાંય એજન્સી સામે કોઈ પગલાં કેમ લેવામાં નથી આવતા ?
રાકેશ હિરપરા એ કહ્યું કે, આ પછીના તમામ મુદ્દાઓ તાનાશાહી રીતે એક સાથે પસાર કરી દેવામાં આવ્યા એટલે નીચેની રજૂઆતો બાકી રહી ગઈ. સામાન્ય સભા બાદ આ તમામ મુદ્દે સદન ની બહાર અમે વિરોધ કર્યો.
કામ નંબર 13 : ટાંકી સફાઈ દર મહીને અને વેકેશનમાં પણ થવી જોઈએ.
૧૬ જુનના રોજ સમિતિએ લેખિતમાં સ્વીકાર્યું છે કે ફેબ્રુઆરીથી જુન સુધીમાં એટલે કે ૪ મહિના સુધી શાળાઓની ટાંકી ની સફાઈ કરવામાં આવી નહોતી, ટાંકી સફાઈ ની શરૂઆત જુન મહિનાના અંતમાં કે જુલાઈમાં કરવામાં આવી. સમિતિ એવો તર્ક આપે છે કે શાળા બંધ હતી એટલે સફાઈ ન કરી તો શું આ 4 મહિના દરમિયાન જીવજંતુઓ પણ રજા ઉપર હતા ? આખા જૂન મહિનામાં બાળકો એ ગંદુ પાણી પીધું એના માટે જવાબદાર કોણ ?
કામ નંબર 14 & 15 : વિરોધ (તમામ શાળાઓને લાયકાત ધરાવતા સુરક્ષાકર્મીઓ આપવા જોઈએ)
આટલી બધી ગંભીર ઘટના બની હોવા છતાંય તમામ શાળાઓને 24 કલાકના સક્ષમ સુરક્ષાકર્મી કેમ નહીં ?
ટેન્ડરની શરતો માં લખેલ છે કે પ્રથમ વર્ષનું કામ જોઈને પછી આગળ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવશે, તો પછી સીધો ત્રણ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કેમ રીન્યુ કરવામાં આવ્યો ?
નિયમ પ્રમાણે સુરક્ષાકર્મીઓને 8 કલાકના 12,000 રૂપિયાથી વધુનું વેતન ચૂકવવાનું હોય છે પણ એજન્સી 16 કલાકના 10,000 થી 11,000 રૂપિયા ચુકવે છે.
નિયમ પ્રમાણે એજન્સીએ પગાર બેંક ખાતામાં જમા કરાવવાનો હોય છે પણ ઘણા બધા સુરક્ષાકર્મીઓ એવા છે કે જેમનો પગાર બેંક ખાતામાં જમા કરાવવામાં આવતો નથી.
નિયમ પ્રમાણે એજન્સીએ સુરક્ષાકર્મીઓ ની વ્યક્તિગત તેમજ અભ્યાસને લગતી તમામ વિગતો સમિતિ ની કચેરી એ જમા કરાવવાની હોય છે. એજન્સી દ્વારા આ નિયમોનું પણ સંપૂર્ણપણે પાલન કરવામાં નથી આવતું.
સુરક્ષાકર્મી ગણવેશમાં ન હોય, એની પાસે વ્હીસલ-ટોપી-લાકડી ન હોય, બુટ ન પહેરેલા હોય, આઈ કાર્ડ ન હોય, નિયમ મુજબની શારીરિક તેમજ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તો એજન્સી પાસેથી પેનલ્ટી વસુલવાની હોય છે. મોટાભાગના સુરક્ષાકર્મીઓ આ નિયમો મુજબના છે જ નહીં.
તો એજન્સી વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં કેમ નથી આવતા ? આ એજન્સી, શક્તિ સિક્યુરીટી, નું કામ એકદમ નિરાશાજનક છે તો ક્યા આધારે ત્રણ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવ્યો ?
કામ નંબર 17 : શાળા ક્રમાંક 232/312 ને નવું મીટર આપવામાં આવે
પ્રવેશોત્સવના આગળના દિવસે બાજુ ની જૂની બિલ્ડિંગમાંથી પાવર લેવા જતાં આ શાળાની નવી બિલ્ડીંગમાં શોર્ટસર્કીટ સર્જાઈ હતી. તમામ શાળાઓને વ્યવસ્થિત ઈલેક્ટ્રીક સુવિધાઓ અને ઉપકરણો પુરા પાડવામાં આવે.
કામ નંબર 18 : વિરોધ (ટેન્ડર પ્રક્રિયા હાથ કેમ ન ધરવામાં આવી ? માત્ર 500 બેંચ થી શું થશે ?)
સમિતિએ પોતે લેખિતમાં સ્વીકારેલ છે કે અત્યારે 7000થી વધુ પાટલીઓ (બેંચ) ની અછત છે તો પછી માત્ર 500 પાટલીઓ (બેંચ) ની ખરીદી શા માટે ? યોગ્ય ટેન્ડર પ્રક્રિયા હાથ કેમ ન ધરવામાં આવી ?
કામ નંબર 19 : વિરોધ (A to Z સોલ્યુશન ના ભાવ કેમ ખોલવામાં આવ્યા ?)
A to Z સોલ્યુશન ને બચાવવાનો પ્રયાસ વારંવાર અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. A to Z સોલ્યુશન ને હજુ સુધી બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી અને એક વખત ગેરરીતિ કરેલ હોવા છતાંય સ્ટેશનરી કિટના ટેન્ડરમાં A to Z સોલ્યુશન ના ભાવ શા માટે ખોલવામાં આવ્યા ? નેગોસીએશન કરવા માટે માત્ર એક જ કંપનીને કેમ બોલાવવામાં આવી ? સમગ્ર પ્રક્રિયા નવેસરથી કેમ ન કરવામાં આવી ?
લંપટ આચાર્ય નો મામલો :
• અધ્યક્ષ પાસે 3 મહિનાથી માહિતી હોવા છતાંય બાળકોનું શોષણ કેમ થવા દીધું ? આચાર્ય ને પદભ્રષ્ટ કેમ ન કર્યો ?
• આચાર્યને હજુ પણ ભથ્થું શા માટે આપવામાં આવે છે ?
• પોલીસ ફરિયાદ કરવામાં મોડું કેમ કરવામાં આવ્યું ?
• સાદા કાગળ ઉપર માત્ર 6 લાઈન ની હાથે લખેલી અરજી પોલીસને કેમ આપવામાં આવી ?
• જો તપાસ સમિતિએ ખરેખર તપાસ કરી હતી તો પોલીસને અરજી આપી એમાં અને શિક્ષણ નિયામક ને અરજી આપી એ બંનેમાં એ તપાસ સમિતિ નો ઉલ્લેખ ન કરીને “માત્ર વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલો મારફતે પ્રકાશિત થયેલા સમાચાર ને આધારે” એવું કેમ લખવામાં આવ્યું ?
• પોલીસે નબળી ધારાઓ લગાવી છતાંય પોલીસ ને અરજી આપીને યોગ્ય ધારાઓ દાખલ કરવા કેમ ન જણાવવામાં આવ્યું ?
અન્ય સવાલો :
• વિપક્ષને માહિતીની નકલો આપવાનો ઇન્કાર કયા નિયમને આધારે કરવામાં આવે છે ?
• તમામ શાળાઓને પાઠ્યપુસ્તકો ક્યારે આપવામાં આવશે ?
• બાળકોને બે જોડી યુનિફોર્મ, બુટ-મોજા, આઈ કાર્ડ, સ્કૂલબેગ, સ્ટેશનરી કીટ ક્યારે મળશે ?
અન્ય સૂચનો/રજૂઆત :
• આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓ ઉપર નું ખોટું રાજકીય દબાણ બંધ કરવામાં આવે.
• શિક્ષકો ને શિક્ષણ સિવાયના તમામ કામો માંથી મુક્તિ આપવામાં આવે.
• બાળકોના યૌન શોષણના મુદ્દે અધ્યક્ષે વાલીઓની માફી માંગી ને રાજીનામું આપી દેવું જોઈએ.
• વિપક્ષ દ્વારા માંગવામાં આવતી માહિતી તેમજ માહિતીની નકલો સમયસર આપવામાં આવે.
• જર્જરિત મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અથવા નવા ભવનો નું નિર્માણ કરવામાં આવે.
• શાળાઓને રાજકીય પ્રવૃત્તિ નો અડ્ડો ન બનાવવામાં આવે.
• શાળાઓ માં અભ્યાસક્રમ અને તાસ પદ્ધતિ અનુસરવામાં આવે અને એનું મોનીટરીંગ કરવામાં આવે.
રાકેશ હિરપરા એ કહ્યું કે, આમ આદમી પાર્ટી એ શિક્ષણ ક્ષેત્ર ના દરેક મુદ્દે પુરાવા સાથે વિરોધ કર્યા છે, છતાંય કોઈ પગલાં લેવાતા નથી. એક સારી શિક્ષણ વ્યવસ્થા અને બાળકો નું ભવિષ્ય બચાવવા માટે આમ આદમી પાર્ટી ભાજપ ના તાનાશાહી રવૈયો અને ભ્રષ્ટાચાર નો સખત વિરોધ કરે છે. જો વહેલી તકે આમ આદમી પાર્ટી ની માંગો પુરી ન કરવામાં આવી તો આવનારા સમય માં આમ આદમી પાર્ટી લોકશાહી ઢબે લોકતંત્ર અને ગુજરાત માં શિક્ષણ વ્યવસ્થા બચાવવા માટે વિરોધ પ્રદર્શન નું ઉગ્ર રૂપ ધારણ કરશે