આપ પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ
સંજય સિંહે આ ઘટનાનો વિરોધ કરતા રાજ્યસભામાં 267ની નોટિસ આપી : ભાજપના 1100 કાર્યકરોએ રાજીનામું આપ્યુ
નવી દિલ્હી
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ નેતા સંજય સિંહે જણાવ્યું કે, ગુજરાતના નવસારીમાં ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા બિલ્ડરના ઈશારે બુલડોઝર વડે રાધા-કૃષ્ણ મંદિર ને તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે મંદિર નોંધાયેલી જમીન પર જ બાંધવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના 1100 કાર્યકરોએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે રાધા કૃષ્ણ મંદિર તોડી પાડવાનો વિરોધ કરવા બદલ ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ સહિત હજારો લોકોને માર મારવામાં આવ્યો હતો. ભાજપે કહેવું પડશે કે જો હિંદુઓ તેમનું મંદિર ભારતમાં નહીં બનાવે તો શું તેઓ પાકિસ્તાનમાં બનાવશે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓએ દેશના કરોડો હિન્દુઓની માફી માંગવી જોઈએ અને મંદિરનું પુનર્નિર્માણ કરાવવું જોઈએ. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે પણ આ ઘટનાનો વિરોધ કરતા રાજ્યસભામાં 267 ની નોટિસ આપી છે.
સંજય સિંહે આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધી હતી. સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે ગઈકાલે મેં દેશની સંસદમાં ગુજરાતનો ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને લઈને ગુજરાતના દરેક માણસના મનમાં આક્રોશ અને નારાજગી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના 1100 નેતાઓ અને પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા છે.
સંજયસિંહે કહ્યું કે રાધા કૃષ્ણ મંદિરના વિધ્વંસના લાઈવ વીડિયોમાં ભાજપના ઘણા નેતાઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે મંદિર તોડવામાં આવી રહ્યું છે. હું બીજેપીના વરિષ્ઠ નેતાઓ પાસેથી માંગ કરું છું કે આ દેશના કરોડો લોકો કૃષ્ણ અને રાધામાં વિશ્વાસ ધરાવે છે, તેમની માફી માંગે. આ ઉપરાંત જે મંદિર તોડી પાડવામાં આવ્યું છે, તે મંદિર ફરીથી બાંધો. જેમને માર મારવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવ્યા છે તેમની બિનશરતી માફી માંગીને કેસ પાછો લો. જે અધિકારીઓએ આ ગુનો કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મેં આ અંગે દેશના સર્વોચ્ચ ગૃહમાં 267ની નોટિસ પણ આપી છે. ત્યાં માંગણી કરી છે કે ગુજરાતમાં જે રીતે કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને ભગવાન શ્રી રાધા કૃષ્ણના મંદિરને તોડવામાં આવ્યું છે, આ ઘટનાને સામાન્ય ન ગણવી જોઈએ. આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પરંતુ ગૃહના અધ્યક્ષે મંજૂરી આપી નથી. આમ આદમી પાર્ટી આ મુદ્દે દરેક રીતે સ્થાનિક લોકોની સાથે ઉભી છે.