કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયાના મિત્રોને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ કર્યો છે. આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે.મંત્રી શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘ફેમીલી ફર્સ્ટ – સમજાવટનું સરનામું’ નો રાજ્ય સરકારનો અભિગમ જળવાય તે હેતુ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન મર્યાદા જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો નિકાલ કરાશે. પરિવાર કાયદાકીય પ્રક્રિયાઓ આધિન હેરાન પરેશાન થાય નહિ તે ધ્યાને રાખી સુલહ કરાવવાના બને તેટલા પ્રયત્નો કરવાના રહેશે. કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ ર્નિણય કરાશે. જરૂર જણાય તો તત્કાલ આશ્રય સહિત જરૂરી કાળજી અને રક્ષણની પણ ચોકસાઇ કરાશે. સમિતિ સમક્ષ આવેલ દરેક કેસોનું દસ્તાવેજીકરણ કરીને જે તે કેસોની સવિસ્તાર અને સંક્ષિપ્ત નોંધ પણ રાખવામાં આવશે. પારિવારીક વિવાદોમાં સ્ત્રી અને બાળકોના હિતો જળવાય તે માટે જરૂર જણાય ત્યાં સરકારી-બિનસરકારી સંસ્થાઓ તથા સંગઠનોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાજિક તપાસ, પુનઃવસવાટ અને પુનઃસ્થાપનનું પણ ધ્યાન રાખવામાં આવશે.મંત્રી શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના લોક કલ્યાણને ઉત્તેજન આપવા તથા સામાજીક દૃષ્ટિએ ન્યાય ઉપલબ્ધ થઇ શકે તેવી અસરકારક સામાજીક વ્યવસ્થાનું સર્જન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંત્રી શ્રી ત્રિવેદીએ સમિતિના માળખા સંદર્ભે જણાવતા કહ્યું કે, સ્થાનિક કક્ષાએ આ યોજનાના સુગમ અમલીકરણ હેતુ સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે.જિલ્લા કક્ષાએ હોદાની રૂએ જિલ્લા કલેકટર કે જિલ્લા ક્લેકટર દ્વારા રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ હોદ્દાની રૂએ મામલતદાર આ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠતા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધીનો તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરાશે. જેમાં ઓછામાં ઓછા બે અધિવક્તા સભ્ય હશે તેમજ સમિતિમાં શક્ય હોય ત્યાં સુધી એક મહિલા સભ્યની પણ નિમણૂંક કરાશે. વધુમાં, બે આમંત્રિત સભ્ય તરીકે ચૂટાંયેલા પ્રતિનિધિ બોલાવી શકાશે.મંત્રી શ્રી ત્રિવેદીએ સમિતિ સંદર્ભે વધુ માહિતી આપતા કહ્યું કે, સંબધિત જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા અને તાલુકા સમિતિના સભ્યોની નિમણૂંક કરાશે. જ્યારે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિના કાર્યો માટે જરૂરી જણાયે સ્ટાફની વ્યવસ્થા તથા સમિતિમાં આકસ્મિક રીતે કોઇ જગ્યા ખાલી પડે તો તાત્કાલિક નિમણૂંક સમિતિના અધ્યક્ષે કરવાની રહેશે. સમિતિના અધ્યક્ષની ભલામણને આધારે કે કાયદા વિભાગ પોતાની જાતે કોઇ પણ સભ્યની તેની મુદત પૂર્ણ થતા પહેલા સભ્ય પદે થી દૂર કરી શકશે, જેને દૂર કરવાના કારણો આપવાના રહેશે. મંત્રી શ્રી ત્રિવેદીએ કહ્યું કે, જિલ્લા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર જિલ્લા મથકનો વિસ્તાર રહેશે અને તાલુકા કક્ષાની સમિતિનું કાર્યક્ષેત્ર તાલુકા મથકનો વિસ્તાર રહેશે. સમિતિના સભ્યોનો કાર્યકાળ સભ્ય તરીકે હોદ્દો ધારણ કરે તે તારીખથી એક વર્ષનો રહેશે.